Anand News: કરમસદ-આણંદ મનપાની વાહકજન્ય રોગો અટકાયત ઝુંબેશઃ મેલેરિયા-ડેન્ગ્યુના કેસોમાં નોંધપાત્ર ઘટાડો

ણંદ શહેર અને આસપાસના વિસ્તારો વિદ્યાનગર, કરમસદ, બાકરોલ, મોગરી, જીટોડિયા, લાંભવેલ તથા ગામડીમાં આરોગ્ય લક્ષી સઘન ઝુંબેશ ચલાવવામાં આવી હતી.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Mon 03 Nov 2025 04:29 PM (IST)Updated: Mon 03 Nov 2025 04:29 PM (IST)
significant-success-karamsad-anand-municipal-corporation-reduces-malaria-and-dengue-cases-631747

Anand News: કરમસદ-આણંદ મહાનગર પાલિકાના કમિશનર મિલિંદ બાપનાના માર્ગદર્શન હેઠળ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા ચાલુ વર્ષે જાન્યુઆરીથી ઓક્ટોબર-2025 દરમિયાન હાથ ધરવામાં આવેલી વાહક જન્ય રોગ અટકાયત કામગીરીને પગલે નોંધપાત્ર સફળતા મળી છે. આ પ્રયાસોના પરિણામે, કરમસદ-આણંદ વિસ્તારમાં મેલેરિયાના કેસો 2024ના 8 થી ઘટીને માત્ર 2 થયા છે, જ્યારે ડેન્ગ્યુના કેસો 66 થી ઘટીને 32 નોંધાયા છે.

મ્યુનિસિપલ હેલ્થ ઓફિસર ડો. રાજેશ પટેલના સુપરવિઝન હેઠળ આણંદ શહેર અને આસપાસના વિસ્તારો વિદ્યાનગર, કરમસદ, બાકરોલ, મોગરી, જીટોડિયા, લાંભવેલ તથા ગામડીમાં આરોગ્ય લક્ષી સઘન ઝુંબેશ ચલાવવામાં આવી હતી. આ કામગીરીમાં અર્બન મેલેરિયા સ્કીમની ટીમો અને અર્બન હેલ્થ સેન્ટરના સ્ટાફની સંયુક્ત કામગીરીનો સમાવેશ થાય છે. આ સામૂહિક પ્રયાસોના પરિણામે, વર્ષ 2024ની સરખામણીમાં ચાલુ વર્ષ 2025માં વાહક જન્ય રોગોના પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.

લોકોની આરોગ્ય સુખાકારી માટે આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલ આ અસરકારક કામગીરીના પરિણામે, મેલેરિયા અને ડેન્ગ્યુના કેસોમાં સ્પષ્ટ ઘટાડો જોવા મળ્યો છે. જાન્યુઆરીથી ઓક્ટોબર 2025 દરમિયાન કરમસદ-આણંદ મહાનગર વિસ્તારમાં મેલેરિયાના કુલ કેસ માત્ર 2 નોંધાયા છે, જ્યારે વર્ષ 2024માં તે આંકડો 8 હતો. આ જ રીતે, ડેન્ગ્યુના કેસોમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે, વર્ષ 2024માં ડેન્ગ્યુના કુલ 66 કેસ નોંધાયા હતા, જે ચાલુ વર્ષ 2025માં ઘટીને માત્ર 32 થયા છે.

નોંધનિય છે કે, મહાનગરપાલિકાની અર્બન મેલેરિયા સ્કીમની ટીમ દ્વારા શહેરી વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ટીમે વિવિધ સંસ્થાઓ શિક્ષણ સંસ્થાઓ, ધાર્મિક સ્થળો, કન્સ્ટ્રક્શન સાઈટ્સ, મૂવી થિયેટર્સ અને શોપિંગ સેન્ટર્સની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન, મોટા પ્રમાણમાં મચ્છર ઉત્પત્તિ સ્થાનો (પોરા) જોવા મળતાં સંસ્થાઓને નોટીસ આપીને નોટીફિકેશન એક્ટની અમલવારી કરવામાં આવી હતી અને દંડ વસૂલવામાં આવ્યો હતો. વર્ષ 2025 દરમિયાન, નિયમોનું ઉલ્લંઘન કરનાર સંસ્થાઓ પાસેથી દંડની રકમ તરીકે કુલ રૂ. 3,48,600/- વસૂલ કરવામાં આવી છે.

મનપાના આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને સતત જાગૃત કરવા માટે સૂત્રોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેમ કે મેલેરિયાનો અંત મારા પ્રયત્નોથી અને મચ્છર હશે તો જ મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા થશે. વિભાગે ભારપૂર્વક જણાવ્યું છે કે જ્યાં જ્યાં પાણી, ત્યાં ત્યાં પોરા, જ્યાં જ્યાં પોરા, ત્યાં ત્યાં મચ્છર, જ્યાં જ્યાં મચ્છર, ત્યાં ત્યાં મેલેરિયા થવાનો ખતરો રહેલો છે.

મચ્છર નાબૂદી માટે મહાનગરપાલિકા વિસ્તારના નાગરિકોને અપીલ કરે છે કે ઘરની અંદર અને ઘરની આસપાસ પાણીનો ભરાવો ન થવા દેવો. આ સફળતા જાળવી રાખવા માટે, મહાનગરપાલિકાએ નાગરિકોના સક્રિય સહકારની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.