Anand: ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ, ભાજપના હર્ષદ પરમાર સહિત 6 ઉમેદવારો વચ્ચે જંગ જામશે

કોંગ્રેસના અનુભવી નેતા ભૃગુરાજસિંહ ચૌહાણ પણ ચૂંટણીના મેદાનમાં. 23 એપ્રિલે મતદાન, 4થી મેના રોજ પરિણામ જાહેર થશે.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Thu 09 Apr 2026 08:59 PM (IST)Updated: Thu 09 Apr 2026 08:59 PM (IST)
umreth-bypoll-2026-bjps-harshad-parmar-vs-congress-bhriguraj-singh-chauhan-6-candidates-in-fray-724947
HIGHLIGHTS
  • ફોર્મ પાછા ખેંચવાની સમય મર્યાદા પૂર્ણ થતા 6 ફોર્મ માન્ય રખાયા

Anand: ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલ કાર્યક્રમ અનુસાર રાજયની 111-ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે તા. 23 મી એપ્રિલના રોજ મતદાન થનાર છે. તે માટે ઉમરેઠ વિધાનસભાના ચૂંટણી અધિકારી અને જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા તારીખ 30 માર્ચના રોજ ઉમેદવારી પત્ર ભરવા માટે નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવી હતી.

આ વિધાનસભાની પેટા ચૂંટણીના સંદર્ભમાં ચૂંટણી કાર્યક્રમ અનુસાર આજે 9 એપ્રિલના રોજ ઉમેદવારીપત્રો પાછા ખેંચવાનો અંતિમ દિવસ હતો. જે અંતર્ગત ઉમેદવારીપત્રો પાછા ખેંચવાના છેલ્લા દિવસે એટલે કે, આજ રોજ સંબંધિત ચૂંટણી અધિકારી દ્વારા 6 ઉમેદવારો નિયત કરવામાં આવ્યા છે તથા તેમને ચૂંટણી ચિહ્ન પણ ફાળવવામાં આવ્યું છે.

ક્યા-ક્યા ઉમેદવારો સામે જંગ જામશે? Umreth Bypoll 2026

  • ભૃગુરાજસિંહ ચૌહાણઃ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
  • હર્ષદભાઈ ગોવિંદભાઈ પરમારઃ ભારતીય જનતા પાર્ટી
  • મૌલિકભાઈ વિનુભાઈ શાહઃ ભારતીય નેશનલ જનતા દળ
  • જીતેશકુમાર સેવકઃ અપક્ષ
  • નિરૂપાબેન માધુઃ અપક્ષ
  • મહેન્દ્રભાઈ પરમારઃ અપક્ષ

ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ઉમેદવારો દ્વારા પોતાના ઉમેદવારીપત્રો સાથે સોગંદનામું (એફિડેવિટ- ફોર્મ-26) પણ રજૂ કરવાનું રહે છે. જેથી ઉમેદવારો દ્વારા રજૂ કરવામાં આવતા સોગંદનામા રજૂ કર્યાના 24 કલાકની અંદર મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી, ગુજરાતની વેબસાઈટ પર અપલોડ કરવામાં આવશે.

જણાવી દઈએ કે, ઉમરેઠ વિધાનસભા સતત 3 ટર્મથી ભાજપનો ગઢ ગણાય છે. 2017થી આ બેઠક પર ભાજપના ગોવિંદ પરમાર ચૂંટણી જીતતા આવ્યા છે. જો કે ગત 6 માર્ચના રોજ ગોવિંદ પરમારનું અવસાન થતાં ખાલી પડેલી આ બેઠક પર પેટાચૂંટણી યોજાઈ રહી છે.

જેના માટે ભાજપ દ્વારા આ બેઠક માટે સ્વ. ગોવિદ પરમારના પુત્ર હર્ષદ પરમાર પર પસંદગી ઉતારવામાં આવી છે. જેમનો મુખ્ય મુકાબલો કોંગ્રેસના અનુભવી નેતા ભૃગુરાજસિંહ ચૌહાણ સાથે થશે. ઉમરેઠ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી માટે 23 એપ્રિલે મતદાન થશે, જ્યારે 4 મેના રોજ પરિણામ જાહેર થશે.