અરવલ્લીના વડાગામમાં મૈત્રી કરાર કરીને રહેતી યુવતીનું પિતા દ્વારા જ અપહરણ, સમગ્ર ઘટના CCTVમાં કેદ

અરવલ્લીના ધનસુરામાં મૈત્રી કરાર કરી રહેતી 19 વર્ષીય યુવતીનું પિતા અને અન્ય શખ્સો દ્વારા અપહરણ. ઘટના સીસીટીવીમાં કેદ, પોલીસ તપાસ શરૂ.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Thu, 25 Jun 2026 04:31 PM (IST)Updated: Thu, 25 Jun 2026 04:31 PM (IST)
a-girl-living-in-vadagam-aravalli-was-kidnapped-by-her-father-the-entire-incident-was-captured-on-cctv

Dhansura Kidnapping Case: અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના વડાગામ ગામેથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં મૈત્રી કરાર કરીને પોતાના મિત્ર સાથે રહેતી 19 વર્ષીય યુવતીનું તેના જ પિતા અને અન્ય શખ્સો દ્વારા બળજબરીપૂર્વક અપહરણ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ ધનસુરા પોલીસ મથકે નોંધાઈ છે.

શું હતો વિવાદ?

મળતી માહિતી મુજબ, વડાગામના રહેવાસી જીતભાઈ અલ્પેશભાઈ પટેલ (ઉ.વ. 20) અને ખેડા જિલ્લાના નડિયાદની નેન્સીબેન પ્રજાપતિ (ઉ.વ. 19) વચ્ચે પ્રેમસંબંધ હતો. બંનેના પરિવારો લગ્ન માટે સહમત ન હોવાથી, ગત 11 માર્ચ 2026ના રોજ અમદાવાદના ઘી કાંટા ખાતે એડવોકેટ સમક્ષ તેમણે કાયદેસરના મૈત્રી કરાર કર્યા હતા. છેલ્લા એક મહિનાથી નેન્સીબેન વડગામ ખાતે જીતભાઈના ઘરે તેમના પત્ની તરીકે રહેતા હતા.

પિતા અવારનવાર આપતા હતા ધમકીઓ

ફરિયાદમાં જણાવ્યા અનુસાર, નેન્સીબેનના પિતા દિલીપભાઈ નારાયણભાઈ પ્રજાપતિ આ સંબંધથી નારાજ હતા અને તેઓ અવારનવાર ફોન પર યુવતીને અને તેના મિત્રને ધમકીઓ આપતા હતા.

બ્લેક કિયા સેલ્ટોસ કારમાં આવીને કર્યું અપહરણ

ગત 22 જૂન 2026ની સવારે, જ્યારે જીતભાઈ અને તેમના પિતા ખેતરમાં હતા ત્યારે નેન્સીબેન ઘરની પાછળ આવેલી પોતાની દુકાને હતા. તે સમયે એક કાળા રંગની કિયા સેલ્ટોસ કાર ત્યાં આવીને ઉભી રહી હતી. કારમાંથી નીચે ઉતરેલા નેન્સીબેનના પિતા દિલીપભાઈ અને અન્ય ત્રણ અજાણ્યા શખ્સોએ યુવતીને બળજબરીપૂર્વક કારમાં ખેંચી બેસાડી હતી અને ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

પોલીસ તપાસ શરૂ

આ સમગ્ર ઘટના ઘરના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. યુવતીની શોધખોળ કરવા છતાં કોઈ પત્તો ન મળતા, અંતે જીતભાઈ પટેલે ધનસુરા પોલીસ મથકમાં નેન્સીબેનના પિતા દિલીપભાઈ પ્રજાપતિ સહિત કુલ 4 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે બીએનએસ (BNS)ની કલમો હેઠળ ગુનો નોંધી આ અંગે વધુ તપાસ કરી રહી છે અને યુવતીને શોધવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.