Aravalli News: અરવલ્લી જિલ્લાના નવરચીત સાઠંબા તાલુકામાં એક મોટા આર્થિક કૌભાંડનો ધડાકો થતાં સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. સાઠંબા સ્થિત પીપલ્સ કો-ઓપરેટીવ બેંકના ઈન્ચાર્જ મેનેજર પિંકલ પટેલે કથિત રીતે રૂપિયા 4 કરોડથી વધુની રકમની ઉચાપત કરી હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. આ ઘટનાને પગલે છેલ્લા ચારેક દિવસથી મેનેજર ગાયબ થઈ જતાં ખાતેદારોના જીવ અધ્ધર થઈ ગયા છે.
ઓનલાઈન સટ્ટાના રવાડે ચઢેલા મેનેજરનું કારસ્તાન
લોકોમાં ચાલી રહેલી ચર્ચાઓ અને બેંક સૂત્રોના જણાવ્યા મુજબ, મેનેજર પિંકલ પટેલ ઓનલાઈન સટ્ટા અને જુગારના રવાડે ચઢી ગયો હતો. તેણે કથિત રીતે RTGS દ્વારા ગ્રાહકોના ખાતામાંથી રકમ પોતાના માતા અને પત્નીના બેંક ખાતામાં ટ્રાન્સફર કરીને ઉચાપત કરી છે. ઉચાપતની આ રકમ ઓનલાઈન જુગારમાં ગુમાવતા સમગ્ર કૌભાંડ સપાટી પર આવ્યું હોવાનું મનાય છે.
નવા તાલુકાની રચનાની ખુશી વચ્ચે જ આ મોટો આર્થિક ગોટાળો બહાર આવતા સાઠંબાવાસીઓને મોટો આંચકો લાગ્યો છે. ખાતેદારોમાં ભારે આશ્ચર્ય અને રોષ છે કે, બેંકના ચેરમેન અને હોદ્દેદારોને જાણ સુદ્ધાં ન થાય તે રીતે ઈન્ચાર્જ મેનેજર કેવી રીતે આટલી મોટી રકમની ઉચાપત કરી ગયો?
અમદાવાદથી ઓડિટરો બોલાવાયા, પોલીસ ફરિયાદની તૈયારી
કૌભાંડની ચર્ચાઓ વહેતી થતાં જ બેંકના ચેરમેન, એમડી સહિતના હોદ્દેદારોમાં દોડધામ મચી ગઈ હતી. બેંકના એમડી જીતુભાઈ શાહના જણાવ્યા મુજબ, પ્રાથમિક તપાસમાં ત્રણેક કરોડ રૂપિયાની ઉચાપત જણાઈ છે. આંકડો ચોક્કસ જાણવા માટે અમદાવાદથી ઓડિટરો અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ (CA)ને બોલાવીને બંધ બારણે તપાસ શરૂ કરવામાં આવી છે.
તપાસના ભાગરૂપે આજે સવારથી બેંકના દરવાજા બંધ કરાતા ખાતેદારોને પ્રવેશ મળ્યો નહોતો, જેના કારણે તેમનામાં ગભરાટ ફેલાયો હતો અને સવાલો ઉભા થયા હતા. બેંકના સૂત્રોએ જણાવ્યું છે કે, તપાસ પૂર્ણ થયા બાદ ઉચાપતની રકમનો ચોક્કસ આંકડો મળ્યેથી ફરાર મેનેજર સામે પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવશે.
