Aravalli News: ગુજરાતના પૂર્વ મંત્રી અને ભાજપના વરિષ્ઠ ધારાસભ્ય રમણલાલ વોરા દ્વારા પોતાના મતવિસ્તારમાં મોટો વિવાદ ઊભો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે 17 નવા તાલુકાની રચના કરવાની વાત કરી હોવા છતાં જાદર તાલુકાને નવો તાલુકો બનાવવાની માંગણી પર ધ્યાન ન અપાતાં, રમણલાલ વોરાએ ભાજપના આંતરિક વોટ્સએપ ગ્રુપમાં એક સંદેશો ફરતો કર્યો છે, જેમાં તેમણે સરકાર સામે નારાજગી વ્યક્ત કરી અને વિસાવદરવાળી કરવાની તૈયારી શરૂ કરવા કાર્યકર્તાઓને જણાવી દીધું છે.
રમણલાલ વોરા દ્વારા સીધો સવાલ સરકાર ઉપર કરવામાં આવ્યો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જો સરકારને જાદર તાલુકો બનાવવો હોત, તો ત્રણ વર્ષની અંદર આ કામગીરી કરી દીધી હોત. તેમનો આક્ષેપ છે કે ભાજપને આ કામ કરવું જ નથી. વોરાએ પોતાના કાર્યકર્તાઓને સંદેશો આપ્યો છે કે ઈડરવાળા તાલુકો નહીં થવા દે. તેથી હવે વિસાવદરવાળી કરવી પડશે અને તેની તૈયારીઓ ચાલુ કરી દેવા માટે તેમણે ભાઈઓને કહી દીધું છે. રમણલાલ વોરાનું માનવું છે કે જો સંગઠન તેમની સાથે હોત, તો અત્યાર સુધી આ માંગણી પૂરી થઈ ગઈ હોત, પરંતુ સંગઠનનો સાથ ન હોવાથી માંગ પૂરી થતી નથી.
વરિષ્ઠ નેતા વોરાએ પોતાના સમર્થકો અને યુવાન મિત્રોને ખાસ નમ્ર વિનંતી કરી છે કે હાલમાં તેમનો એક જ મુદ્દો હોવો જોઈએ અને તે છે જાદર તાલુકો. તેમણે ભારપૂર્વક કહ્યું કે તાલુકો નવો બનશે તો તે લોકોના જ હકમાં છે, કારણ કે નવી ગ્રાન્ટો આવશે અને વિકાસના કામો થશે, જેનાથી સ્થાનિક લોકોને ફાયદો થશે. તેમણે કાર્યકર્તાઓને અપીલ કરી કે માત્ર જાદર તાલુકાની જ વાત કરવી. આ તબક્કે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીની વાત કરવી કે કોઈ ઉપર મૈણા ટોણા મારવા નકામું છે, ફક્ત માંગણી પૂરી થાય તે જ હેતુ હોવો જોઈએ. તેમણે ગાંધીનગરમાં પણ એક જ મુદ્દો ગુંજવો જોઈએ તેવી વાત કરી, અને તે છે જાદર તાલુકો.
આ વિરોધના કારણે ભાજપની અંદર પણ ચિંતા વધી છે. જો સરકારે જાદર તાલુકો જાહેર કરવો જ ન હતો, તો 17 નવા તાલુકાની જાહેરાત વખતે તેમાં સમાવેશ કેમ ન કર્યો?. રમણલાલ વોરાએ કાર્યકર્તાઓને તેમની માંગ પર અડગ રહેવા અને મહેનત અત્યારથી શરૂ કરી દેવા જણાવ્યું છે, નહીં તો વિસાવદરવાળી થવાની વાત ફરી ટાંકી છે. આ પરિસ્થિતિ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપને ભારે પડી શકે છે. નેતાઓ જો એવો રાગ આલોપે કે સરકાર તેમની વાત સાંભળતી નથી, તો તેઓ ચૂંટણી જીતવા માટે મહેનત નહીં કરે. જ્યાં સુધી જાદર તાલુકો નહીં બને ત્યાં સુધી રમણલાલ વોરા ભાજપની સામે આ જ રીતે પડતા રહેશે તેવું લાગી રહ્યું છે.
ભાજપના નવા પ્રમુખ જગદીશ વિશ્વકર્મા માટે પણ આ એક મોટી મુશ્કેલી સાબિત થઈ શકે છે, કારણ કે અત્યારે નવી નવી માંગો મેદાનમાં આવી રહી છે અને સૌરાષ્ટ્રમાં પણ ઘણા નેતાઓ નારાજ હોવાના અહેવાલો છે. જો રમણલાલ વોરા જેવા પીઢ નેતાઓને સાંભળવામાં નહીં આવે, તો આવનારા સમયમાં ભાજપ માટે સૌથી ખરાબ પરિણામો તેમના કાર્યકાળમાં આવી શકે છે. હવે જોવાનું એ રહે છે કે ભાજપ સરકાર આ માંગને કઈ રીતે પૂરી કરે છે અને નવા અધ્યક્ષ આ નેતાઓને કઈ રીતે સમજાવે છે.
