Aravalli News: અરવલ્લી જિલ્લામાં આયકર વિભાગ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી વહેલી સવારથી શરૂ કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં ગાડીઓના કાફલા સાથે આયકર વિભાગની ટીમોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરોડા અરવલ્લીના મુખ્ય મથક મોડાસા શહેર તેમજ મેઘરજ સહિતના વિસ્તારોમાં પાડવામાં આવ્યા છે.
આ કાર્યવાહીમાં ખૂબ મોટી સંખ્યામાં ટીમો જોડાઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, લગભગ 70થી વધુ કાર સાથે આયકર વિભાગની ટીમોએ દરોડા પાડ્યા છે. આ સર્ચ ઓપરેશનમાં 300 ઉપરાંત કર્મચારીઓ જોડાયા હતા. આ દરોડા અરવલ્લી જિલ્લામાં 45થી વધુ સ્થળો પર પાડવામાં આવ્યા છે. વહેલી સવારે 4 વાગ્યા બાદ તમામ ટીમો અલગ અલગ જગ્યાએ વહેંચાઈ ગઈ હતી.
આઈટી વિભાગની આ કાર્યવાહીમાં મુખ્યત્વે વેપારીઓ, ડોક્ટર્સ અને બિલ્ડર્સને નિશાન બનાવવામાં આવ્યા છે. 45 થી વધુ વેપારીઓ, ડોક્ટર્સ અને બિલ્ડર્સને ત્યાં આઈટી વિભાગની રેડ પાડવામાં આવી છે. મોડાસા શહેરમાં કોલેજ રોડ પર આવેલા ફેઝાન કોમ્પ્લેક્સમાં એક બિલ્ડરને ત્યાં હાલ તપાસ શરૂ છે. આ ઉપરાંત ડોક્ટર્સ અને વેપારીઓને ત્યાં પણ તપાસ જોવા મળી રહી છે. મેઘરજમાં પણ એક વેપારીને ત્યાં હાલ તપાસ ચાલી રહી છે.
આયકર વિભાગની ટીમો દ્વારા વહેલી સવારે જ્યાં ડોક્ટર્સ હતા, તેમના ઘરે જઈને તપાસ શરૂ કરવામાં આવી હતી. હવે તેમની હોસ્પિટલ ખાતે પણ તપાસ કરવામાં આવી રહી છે. આ તપાસ દરમિયાન કોઈ પણ પ્રકારની અડચણ ન પડે તે હેતુથી હથિયારધારી પોલીસ બંદોબસ્ત પણ ટીમની સાથે રાખવામાં આવ્યો છે.
આયકર વિભાગ દ્વારા આ પ્રકારે કાર્યવાહી તેજ કરવામાં આવતા અરવલ્લી જિલ્લામાં હાલ તો સોંપો પડી ગયો છે. જે આયકર વિભાગની ચોરી કરી રહ્યા હતા, તેમાં પણ ભયનો માહોલ ફેલાયો છે. મોટી સંખ્યામાં ગાડીના કાફલા સાથે કાર્યવાહી હાથ ધરવામાં આવતા સમગ્ર અરવલ્લી જિલ્લામાં ચકચાર મચી ગઈ છે.
