અમારા પાકને બચાવો!... અરવલ્લીના ખેડૂતોની લાચારી, આંખમાં આંસુ સાથે તંત્રને કરી પાણી છોડવાની અપીલ

અરવલ્લી જિલ્લામાં વરસાદની અછતથી ખેડૂતોની મગફળી અને અન્ય પાકો સુકાઈ રહ્યા છે. મોંઘા બિયારણ અને ખાતરના ખર્ચ બાદ ખેડૂતો લાચાર, તંત્ર પાસે કરી તાત્કાલિક સિંચાઈના પાણીની માંગણી.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Mon, 29 Jun 2026 05:02 PM (IST)Updated: Mon, 29 Jun 2026 05:02 PM (IST)
save-our-crops-the-helplessness-of-aravalli-farmers-with-tears-in-their-eyes-they-appeal-to-the-authorities-to-release-water

Gujarat Agriculture News: અરવલ્લી જિલ્લાના ખેડૂતો હાલમાં કુદરત અને પરિસ્થિતિ સામે જજુમી રહ્યા છે. ચોમાસાની અનિયમિતતા અને વરસાદની ખેંચને કારણે જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ખેડૂતોનો મોંઘા ભાવે વાવેલો પાક સુકાઈ રહ્યો છે. મગફળી અને અન્ય ખરીફ પાકો માટે ખેડૂતોએ ખાતર, બિયારણ અને ખેડ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કર્યો છે, પરંતુ વરસાદ ન આવતા હવે આ મહેનત પાણીમાં જતી હોય તેવું લાગી રહ્યું છે.

ખેડૂતોની વેદના

જિલ્લાના ખેડૂતોની હાલત અત્યારે ખૂબ જ દયનીય છે. ખેતરમાં ઉભેલો પાક સુકાઈ રહ્યો છે. એક ખેડૂતે વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે- અમે ઉધાર લઈને ખેતી કરી છે. જો પાણી નહીં મળે તો પાયમાલ થઈ જઈશું.

તંત્ર સમક્ષ તાત્કાલિક માંગ

ખેડૂત સંગઠનો દ્વારા જિલ્લાના ઉપલબ્ધ જળાશયો અને સિંચાઈ યોજનાઓમાંથી તાત્કાલિક ધોરણે પાણી છોડવાની માંગ કરવામાં આવી છે. ખેડૂતોનું કહેવું છે કે, જો અત્યારે પાણી નહીં મળે તો વર્ષભરનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની જશે. સિંચાઈ વિભાગે આ મામલે યુદ્ધના ધોરણે આયોજન કરી ખેડૂતોને રાહત આપવી જોઈએ.

શું છે મુખ્ય માગ?

જુન મહિનો પસાર થઈ ગયો છે છતાં રાજ્યમાં વરસાદ ન પડતા પાકને જીવતદાનની જરૂર છે. ત્યારે અરવલ્લી જિલ્લાના ઉપલબ્ધ જળાશયો અને સિંચાઈ યોજનાઓમાંથી ખેડૂતોના હિતમાં તાત્કાલિક પાણી છોડવાની કાર્યવાહી કરવામાં આવે તથા સંબંધિત વિભાગોને જરૂરી સૂચનાઓ આપી ખેડૂતો સુધી પૂરતું સિંચાઈનું પાણી પહોંચે તે માટે યુદ્ધના ધોરણે આયોજન કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.

જિલ્લાના ખેડૂતો દ્વારા મગફળી સહિત વિવિધ પાકોના મોંઘા ભાવના બિયારણની ખરીદી કરી, જમીનની ખેડ, વાવણી તેમજ ખાતર અને દવાઓ પાછળ નોંધપાત્ર ખર્ચ કરવામાં આવ્યો છે. પરંતુ સમયસર વરસાદ ન થતાં પાક સુકાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થવાની શક્યતા ઉભી થઈ છે.

ત્યારે હવે જોવાનું એ છે કે, જિલ્લા વહીવટી તંત્ર ખેડૂતોના આ આક્રંદને સાંભળીને જળાશયોમાંથી પાણી છોડવાનો હકારાત્મક નિર્ણય ક્યારે લે છે? અરવલ્લીના ખેડૂતો મીટ માંડીને બેઠા છે કે તેમને સમયસર સિંચાઈનું પાણી મળે અને તેમની મહેનત એળે ન જાય.