Bharuch Rain News: ભરૂચ અને અંકલેશ્વર પંથકમાં પડી રહેલા ધોધમાર વરસાદના કારણે માર્ગો પર પાણી ફરી વળ્યા છે. આ દરમિયાન ભરૂચ-અંકલેશ્વર રોડ પર આવેલી RPMS સ્કૂલ નજીક વરસાદી પાણીના તેજ વહેણમાં એક બાઈક ચાલક તણાઈ ગયો હતો. જોકે, ફાયર બ્રિગેડે સમયસૂચકતાથી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરતા યુવકનો આબાદ બચાવ થયો છે.
તેજ વહેણમાં બાઈક ચાલકે સંતુલન ગુમાવ્યું
પ્રાથમિક માહિતી અનુસાર, આ વિસ્તારના માર્ગ પર વરસાદી પાણી ધસમસતા પ્રવાહ સાથે વહી રહ્યા હતા. આ ખતરનાક સ્થિતિ વચ્ચે એક બાઈક ચાલક જોખમ ખેડીને પાણી ભરાયેલા માર્ગ પરથી પસાર થવાનો પ્રયાસ કરી રહ્યો હતો.
અચાનક પાણીના વધી ગયેલા તેજ પ્રવાહને કારણે બાઈક પરથી તેનું સંતુલન ખોવાઈ ગયું અને તે પોતાની બાઈક સાથે જ પાણીના વહેણમાં તણાવા લાગ્યો હતો. આ ભયાનક દ્રશ્ય જોઈને આસપાસના સ્થાનિક લોકોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી અને સ્થળ પર લોકોના ટોળેટોળાં એકઠા થઈ ગયા હતા.
ફાયર બ્રિગેડ દ્વારા રોમાંચક રેસ્ક્યુ ઓપરેશન
બનાવ અંગે સ્થાનિકો દ્વારા તુરંત જ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતા જોઈને ફાયર ફાઈટરોની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી અને સમયસૂચકતા દાખવી પાણીના જોખમી વહેણમાં ઉતરીને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું. ફાયર ટીમે ભારે જહેમત બાદ તણાઈ રહેલા બાઈક ચાલકને સુરક્ષિત બહાર કાઢ્યો અને તેનો જીવ બચાવ્યો.
વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને ખાસ અપીલ
સતત વરસી રહેલા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો પર સર્જાયેલી જળબંબાકારની સ્થિતિને પગલે તંત્ર દ્વારા નાગરિકોને ખાસ અપીલ કરવામાં આવી છે. તંત્રએ કડક સૂચના આપી છે કે લોકો બિનજરૂરી મુસાફરી ટાળે તેમજ પાણી ભરાયેલા કે તેજ વહેણવાળા રસ્તાઓ પરથી વાહન ન ચલાવે અને જીવના જોખમે સાહસ ન ખેડે.
