ભરૂચ દુષ્કર્મ કેસઃ યુવતીને ભણતરની લાલચ આપીને શારીરિક શોષણ કરનાર મુંબઈ સ્થિત મદ્રેસાના ટ્રસ્ટીની ધરપકડ, 2 દિવસના રિમાન્ડ મંજૂર

ભરૂચની યુવતીને શિક્ષણની લાલચ આપી મુંબઈના મદ્રેસા ટ્રસ્ટીએ દુષ્કર્મ આચર્યું અને ગર્ભપાત કરાવ્યો. પોલીસે આરોપી મુફ્તી અલાઉદીન અબ્દુલ ગફ્ફાર અન્સારીની ધરપકડ કરી, જેને બે દિવસના રિમાન્ડ મળ્યા છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 29 Jul 2026 11:39 PM (IST)Updated: Wed, 29 Jul 2026 11:39 PM (IST)
bharuch-crime-mumbai-madresa-trustee-arrested-in-rape-case

Bharuch News: ઉચ્ચ શિક્ષણ અને ધાર્મિક તાલીમનો તમામ ખર્ચ ઉઠાવવાની પ્રલોભક લાલચ આપી ભરૂચની 22 વર્ષીય યુવતીને પોતાની જાળમાં ફસાવી વારંવાર દુષ્કર્મ આચરવા, બળજબરીથી ગર્ભપાત કરાવવા તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવાના ગંભીર મામલે ભરૂચ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે મહારાષ્ટ્રના મુંબઈ ખાતેથી એક મદ્રેસાના 55 વર્ષીય ટ્રસ્ટીની ધરપકડ કરી અદાલતમાં રજૂ કરતા કોર્ટે આરોપીના બે દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે.


મુંબઈ સ્થિત "અંજુમને તકદીરૂનીશા અલ ઇસ્લામીયા લીલ બનાત" મદ્રેસાના ટ્રસ્ટી અને સંચાલક મુફ્તી અલાઉદીન અબ્દુલ ગફ્ફાર અન્સારીએ ભોગ બનનાર યુવતીના ભાઈના મોબાઈલમાં તેની તસવીર જોઈ હતી. જે બાદ આરોપીએ મુંબઈથી ભરૂચ આવી પરિવાર સાથે આત્મીય સંબંધો બનાવી લીધા હતા. આરોપીએ યુવતીના પિતાને દીકરીના કોલેજ અને ધાર્મિક શિક્ષણનો તમામ ખર્ચ પોતે ઉઠાવવાની લાલચ આપી વિશ્વાસમાં લીધા હતા.

યુવતી બે વખત ગર્ભવતી બનતાં બળજબરીથી ગોળીઓ ખવડાવી ગર્ભપાત કરાવ્યો

પરિવારજનોના વિશ્વાસનો લાભ લઈ યુવતીને મુંબઈ સ્થિત મદ્રેસામાં અભ્યાસ માટે મોકલવામાં આવી હતી. જ્યાં આરોપી મુફ્તીએ યુવતીની મરજી વિરુદ્ધ તેની સાથે અવારનવાર શારીરિક શોષણ કર્યું હતું. આ દરમિયાન યુવતી બે વખત ગર્ભવતી બનતાં આરોપીએ બળજબરીથી ગોળીઓ ખવડાવી ગર્ભપાત કરાવ્યો હોવાનો પણ ગંભીર આરોપ છે. સતત માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળીને આખરે યુવતી પોતાના વતન ભરૂચ પરત ફરી હતી.

જે બાદ પણ આરોપીએ પીછો ન છોડી ભરૂચ આવીને પોતાની સાથે મુંબઈ આવવા દબાણ કર્યું હતું. યુવતીએ ઇનકાર કરતા આરોપીએ બોગસ નિકાહનામામાં ફસાવી દેવાની, અંગત ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી.

આખરે હિંમત દાખવી યુવતીએ સમગ્ર આપવીતી પરિવારને જણાવતા ભરૂચ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ હતી. આ કેસની ગંભીરતા જોઈ તપાસ એ-ડિવિઝન પોલીસને સોંપાતા, પીઆઈ આર. એમ. વસાવાના માર્ગદર્શન હેઠળ પોલીસે મુંબઈમાં દરોડો પાડી આરોપી મુફ્તીની ધરપકડ કરી હતી. અદાલતે આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે અને પોલીસ આ મામલે આગળની ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે.