Bharuch Flood: દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક તોફાની વરસાદને પગલે ભરૂચ જિલ્લામાં પૂરની વિકટ સ્થિતિ સર્જાઈ છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર, વાલિયા અને ઝઘડિયા પંથકમાં વરસાદી તાંડવને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ઉપરવાસમાં ભારે વરસાદથી નદી-નાળાં અને ખાડીઓમાં પ્રચંડ ઘોડાપૂર આવ્યા છે.
અંકલેશ્વર તાલુકામાંથી પસાર થતી આમલાખાડીમાં ઘોડાપૂર આવતા પૂરના પાણી માર્ગો પર ફરી વળ્યા છે, જેના કારણે અંકલેશ્વર-સુરત સ્ટેટ હાઇવે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે.
કડકડીયા કોલેજ નજીકનું કામચલાઉ ડાઇવર્ઝન પૂરના પાણીમાં ગરકાવ થઈ જતાં હાંસોટ અને સુરત વચ્ચેનો વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે. પોલીસે સુરક્ષાના ભાગરૂપે બેરિકેટિંગ કરીને અવરજવર અટકાવી દીધી છે.
આ ઉપરાંત પીરામણ ગામથી GIDCને જોડતો મુખ્ય રેલવે અંડરબ્રિજ કમરબૂડ પાણીમાં ડૂબી જતાં નોકરિયાતો અને સ્થાનિક વાહનચાલકો રસ્તા વચ્ચે જ આફતમાં મુકાયા હતા.
બીજી તરફ વાલિયા-વાડી મુખ્ય માર્ગ પર ડહેલી-રાજપરા પાસે નદીમાં આવેલા પૂરના પ્રચંડ વેગમાં વાહનોની અવરજવર માટે બનાવાયેલા બંને ડાઇવર્ઝન તણાઈને ધોવાઈ ગયા છે. ડાઇવર્ઝન વહી જતાં વાલિયા અને વાડી વચ્ચેનો સંપર્ક તૂટી ગયો છે અને અનેક મુસાફરો તથા માલવાહક વાહનો રસ્તા પર જ અટવાઈ પડ્યા છે.

વરસાદી સંકટ વચ્ચે ઝઘડિયા તાલુકામાં આવેલા જાણીતા ધોલી ડેમની જળસપાટીમાં પણ ભયજનક વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં પડેલા અનરાધાર વરસાદને કારણે ડેમ 80 ટકા જેટલો છલોછલ ભરાઈ ગયો છે. ડેમની 136 મીટરની મહત્તમ ક્ષમતા સામે હાલ જળસપાટી 134.50 મીટરે પહોંચી ગઈ છે, જે પૂર્ણ સપાટીથી માત્ર 1.50 મીટર જ દૂર છે.
ડેમ ગમે ત્યારે ઓવરફ્લો થવાની કે પાણી છોડવાની શક્યતાને પગલે ભરૂચ જિલ્લા કલેક્ટર અને ઝઘડિયા વહીવટી તંત્ર દ્વારા હેઠવાસમાં આવતા ધોલી, રઝલવાડા, વણાંકપોર, રાજપારડી, બાલાઠા અને કાંટોલ સહિત કુલ 13 ગામોને હાઇ એલર્ટ કરવામાં આવ્યા છે. સ્થાનિક ગ્રામજનોને નીચાણવાળા વિસ્તારો, નદીકાંઠે કે કોઝવે પર ન જવા અને પશુધનને સલામત સ્થળે ખસેડવાની કડક હિદાયત આપવામાં આવી છે.
