Bharuch News: અંકલેશ્વરથી હાંસોટ અને સુરતને જોડતા અતિ મહત્વના સ્ટેટ હાઈવે પર આવેલી કડકિયા કોલેજ પાસેના આમલાખાડી બ્રિજને તોડવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વર્ષો જૂનો આ બ્રિજ જર્જરિત થઈ જતાં તંત્ર દ્વારા સલામતીના ભાગરૂપે આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
સર્વેમાં બ્રિજ ભયજનક જણાતા નિર્ણય લેવાયો
રાજ્યભરમાં બ્રિજની સ્થિતિ જાણવા માટે કરવામાં આવેલા ખાસ સર્વેમાં આમલાખાડી પરનો આ બ્રિજ અત્યંત નબળી હાલતમાં હોવાનું માલૂમ પડ્યું હતું. નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે હેતુથી તાત્કાલિક અસરથી આ બ્રિજને તોડી પાડી તેની જગ્યાએ નવો બ્રિજ બનાવવાનો નિર્ણય લેવાયો છે.
રુ.5 કરોડનું આયોજન અને 4-લેન સુવિધા
આશરે ₹5 કરોડના ખર્ચે અહીં નવો 4-લેન બ્રિજ આકાર લેશે. અંકલેશ્વરથી હાંસોટ, ઓલપાડ અને સુરત તરફ જતા વાહનોની સતત અવરજવરને ધ્યાનમાં રાખીને આ બ્રિજને વધુ પહોળો અને મજબૂત બનાવવામાં આવશે. નવા બ્રિજની કામગીરી પૂર્ણ થતા આ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યામાં પણ મોટી રાહત મળશે.
વાહનચાલકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી
બ્રિજ તોડવાની કામગીરી દરમિયાન વાહનવ્યવહાર ખોરવાય નહીં તે માટે તંત્ર દ્વારા બ્રિજની બિલકુલ બાજુમાં જ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. હાલમાં તમામ નાના-મોટા વાહનો આ ડાયવર્ઝન પરથી પસાર થઈ રહ્યા છે. નેશનલ હાઈવે ઓથોરિટીના જણાવ્યા અનુસાર, નવા બ્રિજનું કામ નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરી રસ્તો ફરીથી ખુલ્લો મૂકવામાં આવશે. હાલ પૂરતું ભારે ટ્રાફિકને ધ્યાન લેતા વાહનચાલકો અને સ્થાનિકોને ડાયવર્ઝન માર્ગનો ઉપયોગ કરવાની અપિલ કરવામાં આવી છે.
