UpdatedIST

Bharuch News: દહેજ GIDCમાં ફાર્માસ્યુટિકલ એકમમાં અચાનક આગ, ત્રણ કર્મચારીઓ ગંભીર રીતે દાઝ્યા

લગભગ ચાર કલાકની જહેમત બાદ આખરે આગને સંપૂર્ણપણે નિયંત્રણમાં લેવામાં આવી હતી, જેથી અન્ય યુનિટોમાં આગ ફેલાવાની શક્યતા ટળી ગઈ હતી.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Sun 15 Feb 2026 12:58 PM (IST)Updated: Sun 15 Feb 2026 12:58 PM (IST)
bharuch-news-fire-breaks-out-at-pharma-unit-in-dahej-gidc-three-seriously-burnt-692336

Bharuch News: ભરૂચ જિલ્લાના દહેજ ઔદ્યોગિક વિસ્તારમાં આવેલા એક ફાર્માસ્યુટિકલ ઉત્પાદન એકમમાં આજે આગ લાગવાની ઘટના સામે આવી હતી. Alivus Life Sciences Limited ના ઉત્પાદન વિભાગમાં ચાલી રહેલી રાસાયણિક કામગીરી દરમિયાન અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટનામાં ત્રણ કર્મચારીઓ દાઝી ગયા હતા, જેમને તાત્કાલિક તબીબી સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

માહિતી મુજબ, કંપનીના બિલ્ડિંગ નંબર–6ના ત્રીજા માળે રિએક્ટર સંબંધિત પ્રક્રિયા ચાલી રહી હતી. એ દરમિયાન અચાનક તાપમાન વધવું કે અન્ય તકનીકી ખામી સર્જાતા આગ ફેલાઈ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આગ લાગતાની સાથે જ કામ કરી રહેલા કર્મચારીઓમાં ગભરાટ ફેલાયો હતો અને સુરક્ષા પ્રોટોકોલ મુજબ તમામ કામગીરી અટકાવી દેવામાં આવી હતી.

ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની અનેક ટીમો તાત્કાલિક દહેજ ઔદ્યોગિક વિસ્તારમાં પહોંચી ગઈ હતી. આગનું સ્વરૂપ ગંભીર હોવાથી ફાયર ફાઈટરોને લાંબા સમય સુધી સતત પ્રયાસો કરવા પડ્યા હતા. લગભગ ચાર કલાકની જહેમત બાદ આખરે આગને સંપૂર્ણપણે નિયંત્રણમાં લેવામાં આવી હતી, જેથી અન્ય યુનિટોમાં આગ ફેલાવાની શક્યતા ટળી ગઈ હતી.

આ દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા ત્રણ કર્મચારીઓને પ્રાથમિક રીતે ભરૂચની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બાદમાં વધુ નિષ્ણાત સારવારની જરૂર જણાતાં તેમને વડોદરાની ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. તબીબી સૂત્રો મુજબ હાલ ત્રણેયની સ્થિતિ સ્થિર છે અને સારવાર ચાલુ છે.

ઉલ્લેખનીય છે કે Alivus Life Sciences Limited કંપની API એટલે કે એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રિડિયન્ટ્સના ઉત્પાદન સાથે સંકળાયેલી છે. પ્રાથમિક તપાસમાં આગ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન થયેલી અનિયંત્રિત પ્રતિક્રિયા કે તકનીકી ક્ષતિના કારણે લાગી હોવાની શક્યતા દર્શાવવામાં આવી છે. જોકે, આગનું ચોક્કસ કારણ હજી સુધી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું નથી.

ઘટનાને ગંભીરતાથી લેતા ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. વિભાગના અધિકારીઓએ ઘટનાસ્થળે જઈ સલામતી વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું. અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે હાલ પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે અને કોઈપણ પ્રકારનો જોખમ નથી.