Bharuch Hilsa Fishing Season: ભરૂચ જિલ્લાના ભાડભૂત ખાતે દેવપોઢી અગિયારસના પવિત્ર દિવસે માછીમાર સમાજ દ્વારા નર્મદા નદીનું વિધિવત પૂજન-અર્ચન કરીને હિલ્સા માછીમારીની નવી સીઝનનો ઉત્સાહભેર પ્રારંભ કરવામાં આવ્યો છે.
ભાડભૂતથી નિકોરા સુધીના નર્મદા કાંઠે વસતા 25,000થી વધુ માછીમારો માટે ચોમાસાના આ ચાર મહિના આજીવિકાનો મુખ્ય આધાર રહે છે. આ વર્ષે શ્રદ્ધાપૂર્વક પૂજા કરીને 1,200 બોટ સાથે આશરે 6,000 જેટલા માછીમારો દરિયો ખેડવા રવાના થતાં સમગ્ર વિસ્તારમાં ઉત્સવનો માહોલ સર્જાયો હતો.
સીઝનના શુભારંભે ભાડભૂત ખાતે સવારથી જ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. માછીમારોએ નર્મદા માતા અને સિકોતર માતાજીના મંદિરે પૂજા કરી નર્મદા નદીમાં 200 લિટરથી વધુ દૂધનો અભિષેક કર્યો હતો તથા 151 મીટર લાંબી પવિત્ર ચૂંદડી અર્પણ કરી હતી.
આગામી સીઝન સફળ રહે તે માટે સમુદ્ર અને નદી માતાની પ્રાર્થના કર્યા બાદ માછીમારો બોટ સાથે રવાના થયા હતા. તેઓ નર્મદાના મુખ પ્રદેશથી 35 કિલોમીટર દૂર દરિયામાં જઈને આગામી 7 દિવસ સુધી હિલ્સા માછલી પકડવાની કામગીરી કરશે. આ વર્ષે સારા વરસાદને કારણે પાણી શુદ્ધ બનતાં વિપુલ પ્રમાણમાં માછલીઓ મળવાની આશા જાગી છે.
ભાડભૂત બેરેજ યોજનાથી 20 હજાર માછીમારોની રોજીરોટી છીનવાઈ જવાનો ભય
હિલ્સા મૂળભૂત રીતે દરિયાઈ માછલી છે, પરંતુ તે જૂનથી ઓગસ્ટ દરમિયાન ઈંડા મૂકવા સમુદ્રમાંથી નર્મદાના મીઠા પાણી તરફ સ્થળાંતર કરે છે. આ સમયગાળામાં ભરૂચના માછીમારોને આખા વર્ષની રોજીરોટી મેળવવાનો સુવર્ણ અવસર મળે છે. અહીં પકડાતી હિલ્સાની બજારમાં ભારે માંગ હોય છે. સ્થાનિક વેપારીઓ આ માછલી ખરીદીને મુંબઈ જેવા મોટા શહેરોમાં મોકલે છે, જ્યાંથી તેની વિદેશમાં નિકાસ થાય છે. હિલ્સાની ખરીદી માટે ભરૂચ, સુરત, મુંબઈ અને કોલકાતાથી પણ વેપારીઓ ભાડભૂત પહોંચે છે.
બીજી તરફ પરંપરાગત ઉજવણી વચ્ચે સ્થાનિક આગેવાન ચીમન ટંડેલે દેવશયની એકાદશીનું મહત્વ દર્શાવવાની સાથે નર્મદા નદી પર બની રહેલી ભાડભૂત બેરેજ યોજના અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ભય દર્શાવ્યો હતો કે, આ પ્રોજેક્ટથી ભવિષ્યમાં આશરે 20,000 માછીમારોની રોજીરોટી છીનવાઈ શકે છે. આથી તેમણે સરકાર પાસે માછીમાર સમાજના હિત અને રોજગારીની સુરક્ષા માટે યોગ્ય પગલાં ભરવાની ભારપૂર્વક માંગ કરી છે.
