Bharuch: ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં પ્રેમ પ્રકરણનો કરૂણ અંજામ આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં પરિણીત પ્રેમી પંખીડાએ ઝેરી દવા પીને જિંદગી ટૂંકાવી લેતા ચાર બાળકોએ પોતાના માતા અને પિતાની છત્રછાયા ગુમાવી છે.
આ ઘટનામાં મૃતક યુવકની ઓળખ રાજપારડી ગામના સંજય નાગજી વસાવા તરીકે થઈ છે. જ્યારે યુવતી ઝઘડિયાની સુધા ચિરાગ રાઠોડ હોવાનું જાણવા મળ્યું છે. જે પૈકી સુધાનો પતિને દારૂની લત હોવાથી તે છેલ્લા કેટલાક સમયથી તેનાથી અલગ પોતાની માતા સાથે રહેતી હતી. આ સમયગાળા દરમિયાન સંજય અને સુધા વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. બંને પરિણીત હોવા છતાં એકબીજાના ગળાડૂબ પ્રેમમાં પડ્યા હતા.
ગત 4 એપ્રિલના રોજ આ યુગલ પોતપોતાના ઘરેથી કોઈને પણ કહ્યા વગર રહસ્યમય સંજોગોમાં નીકળી ગયું હતું. પરિવારજનોએ ઘણી શોધખોળ કરી પરંતુ તેમની કોઈ ભાળ મળી નહોતી. આખરે પરિવાર દ્વારા ઝઘડિયા પોલીસ મથકે ગુમ થયાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસ પણ છેલ્લા કેટલાક દિવસોથી આ મામલે તપાસ કરી રહી હતી.
આ દરમિયાન ગઈકાલે રાત્રે ઝઘડિયામાં બેંક ઓફ બરોડા સામેથી આ બંનેના મૃતદેહ મળી આવતા સ્થાનિકોમાં ફાળ પડી હતી. આ ઘટનાની ગંભીરતાને જોતા ઝઘડિયા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ બંનેએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું હોવાનું બહાર આવ્યું છે.
ઝઘડિયા પોલીસે બંનેના મૃતદેહોનો કબજો મેળવી, પંચનામું કરી ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. આ મામલે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
આ ઘટનાને પગલે બે પરિવારોમાં માતમ છવાઈ ગયો છે. પ્રેમની આ આગમાં બે જિંદગીઓ હોમાઈ ગઈ છે અને નિર્દોષ 4 બાળકો નિરાધાર બન્યા છે. સમગ્ર ઝઘડિયા પંથકમાં આ ઘટનાને લઈને ઘેરા શોકની લાગણી અને ચર્ચાઓ જોવા મળી રહી છે.
