Bharuch News: ભરૂચ શહેરના ઉપનગર ગણાતું ઝાડેશ્વર છેલ્લા કેટલાક વર્ષોથી વિકાસના માર્ગે છે, જ્યાં અનેક પ્રોજેક્ટ્સ અને રહેણાંક ઇમારતોનું નિર્માણ કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે. અહીં સાઈ મંદિર પાસે પાનમ ગ્રુપ દ્વારા ‘એરેસ સિગ્નેચર’ નામનું રહેણાંક કોમ્પ્લેક્સ ઊભું કરવામાં આવી રહ્યું છે. રોજિંદા મજૂરીના કામ માટે અનેક શ્રમિકો અહીં જોડાયેલા રહે છે. મંગળવારની રાત્રે નિર્માણ સ્થળે દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની હતી, જેના કારણે એક શ્રમિકનું મોત નિપજ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ, મંગળવારની રાત્રે નિર્માણધીન બિલ્ડીંગના ઉપરના માળેથી એક શ્રમિકનો અકસ્માતે પગ લપસી જતાં અથવા કોઈ અન્ય કારણસર તે નીચે પટકાયો હતો. નીચે પડતાં તેને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
બુધવારે સવારે નિર્માણધીન બિલ્ડિગ ખાતે આવેલ શ્રમીકો એ મૃતદેહ પડેલો જોતા ઘટના અંગેની જાણ તાત્કાલિક સી-ડિવિઝન પોલીસને કરી હતી. પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી શરૂ કરી હતી. મૃતકનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે જેથી મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાય. પોસ્ટમોર્ટમ રિપોર્ટ મળ્યા બાદ જ મૃત્યુની પરિસ્થિતિ વધુ સ્પષ્ટ થશે તેવી શક્યતા છે.
પોલીસે પ્રાથમિક માહિતીના આધારે કેસ નોંધી આગળની તપાસ શરૂ કરી છે. મૃતકની ઓળખ, તે ક્યાંનો રહેવાસી હતો, ઘટના સમયે સલામતી સાધનોનો ઉપયોગ થઇ રહ્યો હતો કે નહીં અને કઈ પરિસ્થિતિમાં તે નીચે પટકાયો તે દિશામાં તપાસ ચાલુ છે. નિર્માણ સ્થળે સલામતીના નિયમોનો પાલન થાય છે. કે નહીં તેની પણ તપાસ કરવામાં આવશે.
સ્થાનિકોએ પણ આ ઘટનાને લઈને ચિંતા વ્યક્ત કરતાં નિર્માણ કંપનીએ ભવિષ્યમાં વધુ સુરક્ષા પગલાં લેવા જોઈએ તેવી માંગ ઉઠાવી છે. અકસ્માતો ન બને તે માટે શ્રમિકોની સુરક્ષા, સેફ્ટી કિટ્સ અને સલામતીના ધોરણોનું પાલન જરૂરી હોવાનું ફરીવાર સ્પષ્ટ થયું છે.
