UpdatedIST

ભરૂચના વાગરામાં સ્પા સંચાલક યુવકનો હાથ-પગ બાંધેલી હાલતમાં મૃતદેહ મળ્યો, ગળે ટુંપો આપી હત્યા કરાયાની શક્યતા

વાગરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે સ્થળનું નિરીક્ષણ કરી મૃતદેહને કબ્જામાં લઈ ઓળખ પ્રક્રિયા હાથ ધરી હતી.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Thu 12 Feb 2026 03:48 PM (IST)Updated: Thu 12 Feb 2026 03:48 PM (IST)
bharuch-news-young-man-found-dead-with-hands-and-feet-tied-in-vagra-690563

Bharuch News: ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં રહાડ–વછનાદ માર્ગ પર એક હચમચાવી દેતી ઘટના સામે આવી છે. માર્ગની બાજુએ હાથ-પગ દોરીથી મજબૂત રીતે બાંધેલી હાલતમાં એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. સવારે સ્થાનિક લોકોએ શંકાસ્પદ હાલતમાં પડેલો મૃતદેહ નજરે પડતાં તાત્કાલિક વાગરા પોલીસને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતા જોતા પોલીસ તંત્ર તુરંત હરકતમાં આવ્યું હતું.

માહિતી મળતાની સાથે જ વાગરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે સ્થળનું નિરીક્ષણ કરી મૃતદેહને કબ્જામાં લઈ ઓળખ પ્રક્રિયા હાથ ધરી હતી. તપાસ દરમિયાન મૃતકની ઓળખ ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં રહેતા કૃણાલ પટેલ તરીકે થઈ હતી. કૃણાલ પટેલ ભરૂચ શહેરમાં સ્પા વ્યવસાય સાથે સંકળાયેલો હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

પોલીસ રેકોર્ડ મુજબ કૃણાલ પટેલ છેલ્લા કેટલાક દિવસોથી લાપતા હતો. તેના ગુમ થવાની ફરિયાદ અગાઉ ભરૂચ શહેર ‘સી’ ડિવિઝન પોલીસ મથકમાં પરિવારજનો દ્વારા નોંધાવવામાં આવી હતી. ગુમ થયેલા યુવાનનો આ રીતે મૃતદેહ મળતા પરિવારજનોમાં શોક અને આક્રોશ બંને જોવા મળ્યા હતા.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે કૃણાલ પટેલના હાથ અને પગ બાંધી તેના ગળે ટુંપો આપી હત્યા કરવામાં આવી હોવાની શક્યતા છે. પોલીસને શંકા છે કે હત્યા અન્ય સ્થળે કરી બાદમાં આરોપીઓએ પુરાવા નષ્ટ કરવા માટે મૃતદેહને વાગરા તાલુકાની હદમાં લાવી ફેંકી દીધો હોઈ શકે છે. ઘટનાની સ્થિતિ જોતા આ હત્યા પૂર્વનિયોજિત હોવાની આશંકા વધુ મજબૂત બની છે.

વાગરા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે. બીજી તરફ, પોલીસે કૃણાલ પટેલના વ્યવસાયિક વ્યવહાર, મિત્રવર્તુળ અને તાજેતરના સંપર્કોની વિગતો એકત્ર કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. હત્યાની પાછળ કઈ કારણસર આટલી ગંભીર ઘટના બની, તેમાં કેટલા શખ્સો સંડોવાયેલા છે અને ઘટનાનો આખો પડદાફાશ ક્યારે થશે, તે જાણવા પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસનો દોર તેજ કર્યો છે.