Bharuch News: ભરૂચ જિલ્લામાં આજે રવિવારે પહેલો એર-શો ભવ્ય રીતે શરૂ થયો છે. નેશનલ હાઇવે પર આવેલા અમરતપુરા હવાઈ પટ્ટી ખાતે સવારે 9.30 વાગ્યે કાર્યક્રમનો પ્રારંભ થયો હતો અને શરૂઆતથી જ મોટી સંખ્યામાં લોકો એર-શો જોવા ઉમટી પડ્યા હતા. ભારતીય વાયુસેનાના મકરપુરા એરફોર્સ સ્ટેશનની ટીમ દ્વારા આયોજિત આ શોમાં સારંગ હેલિકોપ્ટર ટીમ અને આકાશગંગા સ્કાય ડાઈવર્સ ટીમના શૌર્ય અને કૌશલ્યનું જીવંત પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.
ભરૂચમાં વાયુસેનાનો એર-શો પ્રથમ વખત યોજાઈ રહ્યો હોવાથી જનતા તેમજ યુવાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. આ પ્રસંગે વિવિધ પ્રકારના એરો મોડલ્સનું નિર્દશન, હેલિકોપ્ટરોની ફોર્મેશન ફ્લાઈટ, અને સ્કાય ડાઈવર્સનો ઉતરાણ જેવી રોમાંચક સ્પર્ધાઓ સતત રજૂ થઈ રહી છે.

આકાશગંગા ટીમના જવાનો વિમાનમાંથી પેરાશુટની મદદથી સલામત અને સચોટ ઉતરાણ કરે છે તે દ્રશ્યો લોકોએ તાળીઓથી વધાવ્યા હતા. બીજી તરફ મોરપીંછના રંગોથી સજ્જ સારંગ ટીમના હેલિકોપ્ટરોના સુમેળબદ્ધ કરતબોએ દર્શકોને મંત્ર મુગ્ધ કરી દીધા.

આ એરો શોનું મુખ્ય ઉદ્દેશ્ય યુવાઓમાં ભારતીય વાયુસેનાની કામગીરી અને ક્ષમતા અંગે જાગૃતિ લાવવાનું તથા તેમને દેશસેવામાં જોડાવા પ્રેરિત કરવાનો છે. શો માટે ગઈકાલે શનિવારે સવારે 9.30 થી 11.30 દરમિયાન રિહર્સલ યોજાઈ હતી, જેમાં ચાર હેલિકોપ્ટરો દ્વારા કરતબો અને આકાશગંગા ટીમ દ્વારા સ્કાય ડાઈવિંગનું અભ્યાસપ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ રિહર્સલ નિહાળવા 500થી વધુ શાળાઓ અને કોલેજોના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતાં.

હાલ એર-શો પુરજોશમાં ચાલી રહ્યો છે અને મોટી સંખ્યામાં એર શો નિહાળવા ઉમટી પડેલ જનમેદની રોંમાચક દ્રશ્યો નિહાળી મંત્ર મુગ્ધ થઇ ગઈ છે. ભરૂચમાં યોજાઈ રહેલો આ પ્રથમ એર-શો સ્થાનિકો માટે ગૌરવનો વિષય બન્યો છે અને આખો જિલ્લો આજે વાયુસેનાના રોમાંચક શક્તિપ્રદર્શનનો સાક્ષી બની રહ્યો છે.
