Bharuch News: ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના આસરસા ગામ નજીક ગત સાંજે એક ગંભીર બોટ દુર્ઘટના સર્જાઈ હતી. ONGCના ઓઇલ સર્વે માટે શ્રમિકોને લઈ જઈ રહેલી બોટ ભરતીના જોરદાર પ્રવાહમાં પલટી ગઈ હતી. આ આખી ઘટનાનો એક લાઇવ વીડિયો સામે આવ્યો છે, જેમાં માત્ર પાંચ સેકન્ડમાં બોટ કઈ રીતે ઊંધી વળી જાય છે તે સ્પષ્ટપણે જોવા મળે છે. આ વીડિયોએ ઘટનાની ભયાવહતાને વધુ ઘેરી બનાવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, આસરસા ખાડીના કિનારે અંદાજે ૨૫ જેટલા શ્રમિકો અને સ્થાનિકો બોટમાં સવાર થઈ રહ્યા હતા. તે જ સમયે ભરતીનું પાણી ધસી આવતા બોટ એકતરફ નમી અને ગણતરીની ક્ષણોમાં પલટી ગઈ. આ દુર્ઘટનામાં બોટ માલિક રોહિતભાઈ પંચાલ બોટ નીચે દબાઈ જતાં તેમનું ઘટનાસ્થળે જ કરુણ મૃત્યુ થયું હતું, જ્યારે એક શ્રમિક હજુ પણ લાપતા હોવાનું જાણવા મળ્યું છે. બાકીના ૨૩ લોકોને સ્થાનિક નાવિકો અને ગ્રામજનોની સમયસૂચકતા અને મદદથી હેમખેમ બચાવી લેવાયા હતા. તમામને તાત્કાલિક જંબુસર રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
જંબુસરમાં બોટ પલટવાનો Live Video: ભરતીનું પાણી આવતા પાંચ સેકન્ડમાં બોટ પલટી, બચાવો…બચાવોની બૂમોથી વાતાવરણ ગુંજ્યુંhttps://t.co/Uv4VYHTsP7#jambusar #Gujarat #boat #Accident #livevideo #viralvideo #gujaratnews pic.twitter.com/IFpOGiGOyo
— rakesh shukla (@rakeshashukla) December 7, 2025
ONGC દ્વારા અરબી સમુદ્ર વિસ્તારમાં ચાલતા સંશોધન પ્રોજેક્ટ માટે એશિયન એનર્જી પ્રાઈવેટ લિમિટેડ નામની કંપનીને સર્વેનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. આ કંપનીએ આસરસા ગામની 19 બોટ ભાડે રાખી છે. ગતરોજ શ્રમિકોને કામગીરી અંગે તાલીમ આપવાની પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે આ કરુણ દુર્ઘટના સર્જાઈ હતી. બોટ કિનારા નજીક ઊભી હતી અને શ્રમિકો લાઈફ જેકેટ પહેરી રહ્યા હતા. તે સમયે કેટલાક શ્રમિકો એક તરફ ભેગા થઈ જતાં બોટનું સંતુલન ખોરવાયું હતું. તે જ ક્ષણે ભરતીનું જોરદાર પાણી ધસી આવતા બોટ પલટી ગઈ હતી.
આ દુર્ઘટનાનો લાઇવ વીડિયો સામે આવ્યા બાદ ગ્રામજનો તેમજ અન્ય બોટચાલકોમાં સલામતી વ્યવસ્થાને લઈને ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે બોટ ઉપડવાની તૈયારીમાં જ હતી અને ગણતરીની સેકન્ડોમાં જ ભરતીના પાણીના તેજ પ્રવાહે તેને ઊંધી વાળી દીધી હતી. ઘટના સમયે 'બચાવો… બચાવો…'ની બૂમોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
દુર્ઘટનાગ્રસ્ત બોટમાં સવાર ગોપાલ દાસ નામના એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, બોટ હલવા લાગી અને અમે કંઈ સમજીએ તે પહેલા જ તે પલટી ગઈ. સદ્દનસીબે મોટાભાગનાના જીવ બચી ગયા, પરંતુ તે ક્ષણ ખુબ જ ભયાવહ હતી. બોટમાં ગુજરાતી, આસામી અને બંગાળ સહિતના વિવિધ રાજ્યોના શ્રમિકો સવાર હતા.
