Bharuch Bullet Train Station: દેશના ડ્રીમ પ્રોજેક્ટ ગણાતા મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોરનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે, જેમાં ભરૂચ ખાતે આકાર લઈ રહેલું બુલેટ ટ્રેન સ્ટેશન હવે આર્કિટેક્ચરલ ફિનિશિંગના અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. ભરૂચના દહેજ બાયપાસ રોડ પર સ્થિત આ સ્ટેશન માત્ર મુસાફરીનું માધ્યમ જ નહીં, પરંતુ ભરૂચની સમૃદ્ધ સાંસ્કૃતિક ઓળખ અને આધુનિક એન્જિનિયરિંગનો અદ્ભુત સંગમ બની રહેશે.
પરંપરાગત કપાસ વણાટ કળા પર આધારિત ફસાડ ડિઝાઇન
ભરૂચનું ઐતિહાસિક કાપડ વણાટ અને કપાસ ઉદ્યોગ સાથે જૂનું જોડાણ રહ્યું છે. આ જ પરંપરાને સન્માન આપતા, સ્ટેશનની બાહ્ય રચના અને આંતરિક ડિઝાઇન પરંપરાગત સૂતરાઉ વણાટ કળાથી પ્રેરિત રાખવામાં આવી છે. આ અનોખો લુક સ્ટેશનને એક વૈશ્વિક ઓળખ આપવાની સાથે સ્થાનિક સંસ્કૃતિની ઝાંખી કરાવશે.

બે સ્તરીય સ્ટેશન બિલ્ડિંગ અને મુસાફર સુવિધાઓ
સ્ટેશન બિલ્ડિંગને મુખ્યત્વે બે સ્તરોમાં વહેંચવામાં આવ્યું છે, જેમાં-
ગ્રાઉન્ડ લેવલ: જ્યાં ટિકિટિંગ, સિક્યુરિટી અને પેસેન્જર પ્લાઝા રહેશે.
પ્લેટફોર્મ લેવલ: જ્યાં બે આધુનિક સાઇડ પ્લેટફોર્મ નિર્માણ પામ્યા છે.
મુસાફરોની સુવિધા માટે સ્ટેશન પર વિશ્વસ્તરીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. જેમાં એર-કન્ડિશન્ડ વેઇટિંગ લાઉન્જ, નર્સરી, આધુનિક શૌચાલય અને રિટેલ આઉટલેટ્સ/શોપિંગ એરિયાનો સમાવેશ થાય છે.
વિકલાંગજનો (દિવ્યાંગો), વરિષ્ઠ નાગરિકો અને નાના બાળકો સાથે મુસાફરી કરતા પરિવારો માટે સ્ટેશન સંપૂર્ણપણે 'બેરિયર-ફ્રી' બનાવવામાં આવ્યું છે. વિવિધ સ્તરો વચ્ચે સરળતાથી આવન-જાવન માટે પૂરતા પ્રમાણમાં આધુનિક લિફ્ટ અને એસ્કેલેટર્સ સ્થાપિત કરવામાં આવ્યા છે.

શાનદાર કનેક્ટિવિટી અને વિશાળ પાર્કિંગ પ્લાઝા
હાઇવે કનેક્શન: સ્ટેશન સીધું જ સ્ટેટ હાઇવે-06 (ભરૂચ-દહેજ રોડ) સાથે જોડાયેલું છે.
એક્સપ્રેસવે: મુંબઈ-દિલ્હી એક્સપ્રેસવે સ્ટેશનથી માત્ર 4 કિલોમીટરના અંતરે હોવાથી આંતરરાજ્ય મુસાફરો પણ આસાનીથી પહોંચી શકશે.
રેલવે સ્ટેશન: હયાત ભરૂચ ભારતીય રેલવે સ્ટેશનથી બુલેટ ટ્રેન સ્ટેશનનું અંતર અંદાજે 7 કિલોમીટર છે.
આ ઉપરાંત, સ્ટેશન બિલ્ડિંગની બહાર એક વિશાળ પદયાત્રી પ્લાઝા વિકસાવવામાં આવી રહ્યો છે. વાહનોના ટ્રાફિકને નિયંત્રિત કરવા માટે કાર, ટુ-વ્હીલર, ઓટો અને બસો માટે અલગ પેસેન્જર પિક-અપ/ડ્રોપ-ઓફ ઝોન તેમજ વિશાળ પાર્કિંગ વ્યવસ્થા ઉભી કરાઈ રહી છે.

બાંધકામની પ્રગતિ: ક્યાં પહોંચ્યું કામ?
નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશનના જણાવ્યા અનુસાર, સ્ટેશનનું સિવિલ કન્સ્ટ્રક્શન મોટાભાગે પૂર્ણ થઈ ચૂક્યું છે. રેલ અને પ્લેટફોર્મ સ્લેબનું કાસ્ટિંગ, સ્ટ્રક્ચરલ સ્ટીલનું ઇરેક્શન અને છતનું રૂફ શીટિંગ કાર્ય સફળતાપૂર્વક પૂરું થઈ ગયું છે.
હાલમાં સ્ટેશન પર આર્કિટેક્ચરલ ફિનિશિંગ, પ્લેટફોર્મ ફ્લોરિંગ, ફસાડનું ઇન્સ્ટોલેશન અને ઇન્ટિરિયર સુશોભનનું કામ તીવ્ર ગતિએ ચાલી રહ્યું છે. ટૂંક સમયમાં જ ભરૂચવાસીઓને આ આધુનિક બુલેટ ટ્રેન સ્ટેશન સમર્પિત કરવામાં આવશે.

