Bhavnagar E-Bus Routes and Timings: ભાવનગર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના નાગરિકો માટે પરિવહનની સુવિધાને હાઈટેક બનાવવાના હેતુથી આગામી 14 ફેબ્રુઆરીના રોજ ભવ્ય લોકાર્પણ કાર્યક્રમ યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં આ સેવાનો પ્રારંભ કરવામાં આવશે.
પ્રથમ તબક્કામાં 8 રૂટ પર 50 બસો
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આ પરિવહન સેવાને સુચારૂ રીતે કાર્યરત કરવા માટે પ્રથમ તબક્કામાં આઠ મહત્વના રૂટ નક્કી કરવામાં આવ્યા છે.
- બસોની સંખ્યા: કુલ 100 ઈ-બસોમાંથી 50 બસોની ડિલિવરી મળી ચૂકી છે, જે પ્રથમ ફેઝમાં રસ્તા પર ઉતરશે.
- વિસ્તરણ: આ આઠ રૂટ પર કામગીરી રાગે પડ્યા બાદ બાકીની 50 બસો સાથે કુલ 17 રૂટ પર સેવાનું વિસ્તરણ કરવામાં આવશે.
- કનેક્ટિવિટી: આ સેવાથી શહેરના 13 વોર્ડના લોકોને અંદાજે 28 કિમીની પેરીફેરીમાં પરિવહનનો લાભ મળશે.
મુસાફરો માટે 'સ્માર્ટ' અને સુરક્ષિત સુવિધાઓ
આ ઇલેક્ટ્રિક બસો અત્યાધુનિક ટેકનોલોજી અને સુવિધાઓથી સજ્જ છે, જે મુસાફરોને રિક્ષાના ઊંચા ભાડામાંથી મુક્તિ અપાવશે:
- એરકન્ડિશન્ડ: તમામ બસો સંપૂર્ણપણે એસી (Air Conditioned) છે.
- બેઠક ક્ષમતા અને ઝડપ: બસમાં 25 મુસાફરોની બેસવાની વ્યવસ્થા છે અને તે મહત્તમ 75 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકશે.
- સુરક્ષા: સુરક્ષાના ભાગરૂપે દરેક બસમાં 4 સીસીટીવી કેમેરા અને ઓટોમેટિક દરવાજા લગાવાયા છે.
- દિવ્યાંગ મૈત્રીપૂર્ણ: દિવ્યાંગો માટે ટ્રાયસિકલ સાથે ચડવા માટે ખાસ વ્યવસ્થા અને મુસાફરો માટે સ્પેશિયલ હેન્ડલ્સ રાખવામાં આવ્યા છે.
માળખાગત સુવિધાઓ અને તૈયારીઓ
લોકાર્પણ પૂર્વે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યુદ્ધના ધોરણે તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે:
- બસ સ્ટેન્ડ: મુસાફરોની સુવિધા માટે શહેરમાં 150 નવા પીકઅપ બસ સ્ટેન્ડ તૈયાર કરાયા છે.
- આધુનિક ડેપો: ગુજરાતમાં સૌથી પહેલો કહી શકાય તેવો અત્યાધુનિક બસ ડેપો રૂ. 24 કરોડના ખર્ચે ભાવનગરમાં તૈયાર કરવામાં આવ્યો છે.
- દબાણ હટાવો ઝુંબેશ: બસોની અવરજવરમાં અડચણ ન આવે તે માટે ગંગાજળિયા બસ સ્ટેશન વિસ્તારના જર્જરિત બિલ્ડિંગો અને રૂટ પરના કાચા-પાકા દબાણો હટાવી લેવામાં આવ્યા છે.
આ પ્રોજેક્ટ માટે ઓપરેશન અને મેન્ટેનન્સ તેમજ ડ્રાઈવર-કંડક્ટરોની નિમણૂક માટે પણ રૂ. 14 કરોડની મંજૂરી આપી દેવામાં આવી છે. મેયરે આ સુવિધા બદલ વડાપ્રધાન અને ગુજરાત સરકારનો આભાર માનતા જણાવ્યું હતું કે, આ સેવા ભાવનગરના મધ્યમ અને ગરીબ વર્ગના લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે.
ભાવનગર શહેરમાં શરૂ થનારી પ્રધાનમંત્રી ઈ-બસ સેવા માટે નક્કી કરવામાં આવેલા 17 રૂટ અને તેના મુખ્ય સ્ટોપેજની વિગતો નીચે મુજબ છે:
- ગંગાજળિયા સ્ટેશનથી ટોપથ્રી સિનેમા: ગંગાજળિયા તળાવ, માધવ દર્શન, આતાભાઈ ચોક, ડી-માર્ટ થઈ ટોપથ્રી સિનેમા (7.15 કિમી).
- ઇનર સર્ક્યુલર રૂટ: ગંગાજળિયા તળાવથી શરૂ થઈ ક્રેસન્ટ, વાલકેટ ગેટ, ટેકરી ચોક, મહિલા કોલેજ, શિવાજી સર્કલ, આર.ટી.ઓ, કુંભારવાડા, ચાવડી ગેટ અને પાનવાડી થઈ પરત ગંગાજળિયા તળાવ (17.79 કિમી).
- સીદસર સિટીથી રૂવાપરી: સીદસર ગામ ચોક, આર.ટી.ઓ સર્કલ, કલેકટર ઓફિસ, કાળાનાળા સર્કલ અને ગંગાજળિયા તળાવ થઈ રૂવાપરી (15.79 કિમી).
- ગંગાજળિયા તળાવથી અધેવાડા: ગંગાજળિયા તળાવ, હલુરીયા ચોક, મહિલા કોલેજ સર્કલ, શિવાજી સર્કલ અને રિંગરોડ થઈ અધેવાડા ગામ (8.14 કિમી).
- ગંગાજળિયા તળાવથી માલણકા: ગંગાજળિયા તળાવ, જશોનાથ સર્કલ, ઘોઘા સર્કલ, ભરત નગર ચોકડી અને તરસમિયા થઈ માલણકા ગામ (8.67 કિમી).
- ગંગાજળિયા તળાવથી અકવાડા: ગંગાજળિયા તળાવ, જશોનાથ સર્કલ, રિલાયન્સ માર્ટ, રેલ્વે સ્ટેડિયમ અને શિવાજી સર્કલ થઈ અકવાડા ગામ (8.13 કિમી).
- ગંગાજળિયા તળાવથી ફુલસર: ગંગાજળિયા તળાવ, એસ.ટી સ્ટેન્ડ, વિશ્વકર્મા સર્કલ, આર.ટી.ઓ. સર્કલ અને રામદેવનગર થઈ ફુલસર (8.70 કિમી).
- ગંગાજળિયા તળાવથી ઓઝ સ્કૂલ: ગંગાજળિયા તળાવ, જશોનાથ સર્કલ, શામળદાસ કોલેજ, સરદાર પટેલ ઇન્સ્ટટ્યૂટ થઈ ઓ.એ.જે કોલેજ (10.87 કિમી).
- ભંડારીયાથી રેલ્વે સ્ટેશન: ભંડારીયા, અધેવાડા, ટોપથ્રી સર્કલ, ભરતનગર ચોકડી અને જશોનાથ સર્કલ થઈ રેલ્વે ટર્મિનસ (25.10 કિમી).
- ગંગાજળિયા તળાવથી કમળેજ: ગંગાજળિયા તળાવ, એસ.ટી.સ્ટેન્ડ, વિશ્વકર્મા સર્કલ અને નારી ચોકડી થઈ કમળેજ ગામ (14.57 કિમી).
- સિહોરથી ગંગાજળિયા તળાવ: સિહોર, રંગોળી ચોકડી, નાની ખોડિયાર, નારી ચોકડી, આર.ટી.ઓ. સર્કલ અને એસ.ટી.સ્ટેન્ડ થઈ ગંગાજળિયા તળાવ (20.70 કિમી).
- દેવગાણાથી એસ.ટી.સ્ટેન્ડ: દેવગાણા, વાળુંકડ હાઈસ્કૂલ, સીદસર, ઇસ્કોન કલબ અને એસ.ટી સ્ટેન્ડ થઈ ગંગાજળિયા તળાવ (28.34 કિમી).
- રેલ્વે સ્ટેશનથી ઘોઘા/મલેકવદર: રેલ્વે સ્ટેશન, ઘોઘા સર્કલ, શિવાજી સર્કલ, સહજાનંદ સ્કૂલ બાયપાસ અને ઘોઘા થઈ મલેકવદર (19.93 કિમી).
- કાળાતળાવથી એસ.ટી.સ્ટેન્ડ: કાળાતળાવ, કામધેનુ ગૌશાળા, ભાવનગર ટર્મિનસ અને આર.ટી.ઓ સર્કલ થઈ ભાવનગર પરા (12.80 કિમી).
- ગંગાજળિયા તળાવથી નેસડા: ગંગાજળિયા તળાવ, આર.ટી.ઓ સર્કલ, નારી ચોકડી અને કરદેજ ગામ થઈ નેસડા ગામ (18.92 કિમી).
- ગંગાજળિયા તળાવથી સોડવદરા: ગંગાજળિયા તળાવ, આર.ટી.ઓ સર્કલ, નારી ચોકડી અને વરતેજ સીદસર ચોકડી થઈ સોડવદરા (14.77 કિમી).
- આનંદનગરથી હોમિયોપેથીક કોલેજ: આનંદનગર, મહિલા કોલેજ, ઘોઘા સર્કલ, સંસ્કાર મંડળ અને હિલપાર્ક ચોકડી થઈ સ્વામી વિવેકાનંદ હોમિયોપેથીક કોલેજ (9.21 કિમી).
આ તમામ ઈ-બસો નિર્ધારિત રૂટ પર જઈ તે જ રૂટ પરથી પરત ગંગાજળિયા ખાતે આવશે.
