Bhavnagar News: ગુજરાતના હવામાન અને વરસાદની સ્થિતિમાં આ વર્ષે એક મોટો પલટો આવ્યો છે. જે ભાવનગર જિલ્લો વર્ષોથી દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં ગણાતો હતો, તે આ વર્ષે રાજ્યમાં સૌથી વધુ વરસાદ નોંધાવનાર પ્રથમ જિલ્લો બન્યો છે. ભાવનગર જિલ્લામાં વાર્ષિક સરેરાશ 627 મિ.મી.ની સામે આ વર્ષે 1026 મિ.મી. વરસાદ નોંધાયો છે, જે સરેરાશ કરતાં 163.40 ટકા વધુ છે, અને ટકાવારીની દૃષ્ટિએ તે સમગ્ર રાજ્યમાં નંબર વન પર છે.
રાજ્યના કુલ 127 તાલુકાઓ પૈકી ભાવનગર જિલ્લાના 36 તાલુકાઓમાં સરેરાશ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. આ 36 તાલુકાઓમાંથી પણ 3 તાલુકા શિહોર, મહુવા અને ઘોઘામાં તો 200 ટકાથી વધુ એટલે કે 1733 મિ.મી. સુધી વરસાદ વરસ્યો છે. એટલે કે, આ તાલુકાઓએ સરેરાશ કરતાં 251.89 ટકા વધુ વરસાદ મેળવ્યો છે.
જળ સંચય અને ભૂગર્ભ જળ રિચાર્જની દૃષ્ટિએ આ ભારે વરસાદ ખૂબ જ મહત્વપૂર્ણ ગણાય છે. એક સમયે જ્યાં માત્ર 21 ઈંચ સરેરાશ વરસાદથી 25 વર્ષ પસાર થતા હતા, તે ભાવનગરને આ વર્ષની મેઘમહેરથી મોટી રાહત મળી છે. આ ભારે વરસાદનું મુખ્ય કારણ ઋતુ પરિવર્તન અને જળવાયુમાં થયેલો સકારાત્મક ફેરફાર છે.
રિપોર્ટ મુજબ, સમાન્ય રીતે 120 દિવસના ચોમાસાના દિવસોની સામે 2023માં ભાવનગર જિલ્લામાં કુલ 45 દિવસ વરસાદ નોંધાયો છે. જેમાં 16 જુલાઈથી 5 નવેમ્બર સુધીમાં 14 દિવસ, જુલાઈમાં 5 દિવસ, ઓગસ્ટમાં 10 દિવસ, સપ્ટેમ્બરમાં 8 દિવસ અને નવેમ્બરમાં 2 દિવસ વરસાદ પડ્યો હોવાનું નોંધાયું છે. વરસાદની ટકાવારીની દૃષ્ટિએ ભાવનગરની સાથે અન્ય ટોચના જિલ્લાઓમાં સાબરકાંઠા (158.22 ટકા), બનાસકાંઠા (153.35 ટકા) અને કચ્છ (149.77 ટકા)નો સમાવેશ થાય છે.
