UpdatedIST

ભાવનગરમાં 50 અત્યાધુનિક ઈલેક્ટ્રિક બસોનું લોકાર્પણ, PM મોદીએ આસામથી લીલી ઝંડી આપી

આગામી સમયમાં ગુજરાતના ગુજરાતના વડોદરા, રાજકોટ, ગાંધીનગર, જૂનાગઢ, નવસારી, ગાંધીધામ સહિત 8 શહેરોમાં 750 જેટલી ઈ-બસો દોડાવવાનું આયોજન

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Sat 14 Feb 2026 08:57 PM (IST)Updated: Sat 14 Feb 2026 08:57 PM (IST)
bhavnagar-gets-50-modern-electric-buses-gujarat-to-launch-750-e-buses-across-8-cities-692091
HIGHLIGHTS
  • PM ઈ-બસ સેવા યોજના અંતર્ગત ગુજરાતને ઈલેક્ટ્રિક બસોની ભેટ

Bhavnagar: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે આસામથી રૂ. 5450 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે પીએમ ઇ-બસ સેવા યોજના અંતર્ગત ભાવનગર શહેરમાં 50 ઇ-બસોને લીલી ઝંડી આપી હતી.

ભારતના શહેરોમાં ઇલેક્ટ્રિક બસોના ઉપયોગથી સ્વચ્છ, વિશ્વસનીય અને ટકાઉ પરિવહનને પ્રોત્સાહન આપવા માટે પીએમ ઇ-બસ સેવા એક મહત્વપૂર્ણ પહેલ છે. આ યોજનાના પ્રારંભિક તબક્કામાં ગુજરાત સિવાય મહારાષ્ટ્ર (નાગપુર), ચંડીગઢ અને આસામ (ગુવાહાટી)માં પણ બસો ફાળવવામાં આવી છે.

ગુજરાતમાં આ યોજનાના અમલીકરણ માટે ગુજરાત શહેરી વિકાસ મિશન (GUDM)ને ગુજરાતના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગની રાજ્ય નોડલ એજન્સી તરીકે નિયુક્ત કરવામાં આવી છે. આગામી સમયમાં રાજ્યના આઠ શહેરોમાં આ યોજના અંતર્ગત 750 બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

ભાવનગર ગુજરાતનું પ્રથમ શહેર છે, જ્યાં આ યોજના અંતર્ગત 50 બસોની ભેટ આપવામાં આવી છે. ભાવનગરમાં કુલ 100 બસો દ્વારા નાગરિકો માટે પરિવહનની સુવિધાને વધુ સુદૃઢ બનાવવામાં આવશે. આ બસો દિવ્યાંગો માટે અનુકૂળ અને એરકન્ડિશન્ડ સુવિધાથી સજ્જ છે. સુરક્ષાના ભાગરૂપે તેમાં સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે.

આગામી સમયમાં રાજ્યમાં આઠ શહેરોમાં ઇ બસો શરૂ કરવામાં આવશે જેમાં વડોદરામાં 250, રાજકોટમાં 100, ભાવનગરમાં 100, ગાંધીનગરમાં 100, જામનગરમાં 50, જુનાગઢમાં 50, ગાંધીધામમાં 80 અને નવસારીમાં 20 ઇ બસો દોડાવવામાં આવશે.

ઇલેક્ટ્રિક બસો માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અને ટેક્નિકલ સુવિધાઓ વિકસિત કરવામાં ગુજરાત અગ્રણી ભૂમિકા નિભાવી રહ્યું છે. સમગ્ર દેશમાં એક સંકલિત પ્રયાસના ભાગરૂપે આ પહેલ પર્યાવરણને અનુકૂળ પરિવહનની દિશામાં મહત્વપૂર્ણ બની રહેશે.