પાલિતાણા પોલીસ સ્ટેશનમાં અમદાવાદના આધેડે ઝેરી દવા પી આપઘાત, શેત્રુંજયના એક કેસમાં પૂછપરછ માટે બોલાવાયા હતા

પાલિતાણા પોલીસ સ્ટેશનમાં તેમની વિરુદ્ધ અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજીના કામે ગઈકાલે યોગેશભાઈને પાલિતાણા પોલીસ સ્ટેશન ખાતે બોલાવવામાં આવ્યા હતા.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Fri 28 Nov 2025 04:48 PM (IST)Updated: Fri 28 Nov 2025 04:48 PM (IST)
bhavnagar-news-ahmedabad-man-dies-by-suicide-inside-palitana-police-station-during-inquiry-646209

Bhavnagar News: ભાવનગર જિલ્લાના પાલિતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં આત્મહત્યાનો બનાવ બન્યો છે. અમદાવાદના 53 વર્ષીય આધેડ યોગેશભાઈ દેવચંદભાઈ દેઢિયાએ પોલીસ તપાસ અર્થે આવ્યા બાદ પોલીસ સ્ટેશનના જ ટોઇલેટમાં ઝેરી દવા ગટગટાવી લીધી હતી. ગંભીર હાલતમાં તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, અમદાવાદના રહેવાસી યોગેશભાઈ દેવચંદભાઈ ડેઢિયા (ઉં.વ. 53) દ્વારા અગાઉ શેત્રુંજય ડુંગર ઉપર આરતીમાં "ઘીના ઘડા" માટે બોલી લગાવવામાં આવી હતી, જેની રકમ આશરે 11 લાખ રૂપિયા થતી હતી. આ રકમ આણંદજી કલ્યાણજી પેઢીમાં જમા કરાવવાની હતી. જોકે, યોગેશભાઈ દ્વારા આ રકમ જમા કરાવવામાં ન આવતા પેઢી દ્વારા પાલિતાણા પોલીસ સ્ટેશનમાં તેમની વિરુદ્ધ અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજીના કામે ગઈકાલે યોગેશભાઈને પાલિતાણા પોલીસ સ્ટેશન ખાતે બોલાવવામાં આવ્યા હતા.

પોલીસ સ્ટેશનમાં હાજર રહ્યા બાદ યોગેશભાઈ ટોઇલેટમાં ગયા હતા, જ્યાં તેમણે અનાજમાં નાખવામાં આવતી ઝેરી દવા પી લીધી હતી અને ત્યાં જ ઢળી પડ્યા હતા. તેમની તબિયત લથડતા પોલીસ સ્ટેશનમાં હાજર પોલીસકર્મીઓએ તેમને તાત્કાલિક પાલિતાણાની સરકારી હોસ્પિટલ ખસેડ્યા હતા. જોકે, તેમની સ્થિતિ વધુ ગંભીર જણાતા ત્યાંથી વધુ સારવાર માટે પાલિતાણાની ખાનગી સદવિચાર હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. જ્યાં ગઈ રાત્રિના (27 નવેમ્બર) લગભગ 10.30 વાગ્યે સારવાર દરમિયાન તેમનું મોત નીપજયું હતું.

આ ઘટનાની જાણ થતા પોલીસ બેડામાં પણ દોડધામ મચી ગઈ હતી. મૃતક યોગેશભાઈનો મૃતદેહ આજે પોસ્ટમોર્ટમ માટે ભાવનગરની સર ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરવા પાલિતાણા ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતનો સ્ટાફ પણ ભાવનગર પહોંચ્યો છે. આ ઘટનાથી પાલિતાણા અને અમદાવાદના જૈન સમાજમાં શોક અને ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.