Bhavnagar: ભાવનગર જિલ્લાના પવિત્ર યાત્રાધામ બગદાણા ખાતે આવેલા સંત બજરંગદાસ બાપાના આશ્રમ દ્વારા ભક્તો માટે એક અત્યંત મહત્વપૂર્ણ અપીલ જારી કરવામાં આવી છે.
આજકાલ સોશિયલ મીડિયા પર AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) ટેકનોલોજીનો ઉપયોગ કરીને બજરંગદાસ બાપાના કાલ્પનિક ફોટા અને મનઘડંત રીલ્સ બનાવવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે, જેને લઈને બગદાણા આશ્રમે ચિંતા વ્યક્ત કરી છે. આશ્રમ દ્વારા પત્ર પાઠવીને તમામ ભક્તોને આવા AI ફોટા શેર ન કરવા માટે નમ્ર વિનંતી કરવામાં આવી છે.
આશ્રમના જણાવ્યા અનુસાર, બજરંગદાસ બાપાના મૂળ સ્વરૂપને આ જાળવી રાખવા માટે સૌએ સભાન બનવું જરૂરી છે. કેટલાક લોકો કાલ્પનિક વાર્તાઓ અને મનઘડંત વીડિયોના માધ્યમથી બાપાની છબીને વિકૃત કરી રહ્યા છે, જે યોગ્ય નથી. સંતો એ શ્રદ્ધા અને આસ્થાનો વિષય છે, તેને મનોરંજન કે સોશિયલ મીડિયા પર વ્યૂઝ મેળવવાનું સાધન ન બનાવવું જોઈએ.
બજરંગદાસ બાપાએ પોતાના જીવનકાળ દરમિયાન ક્યારેય ચમત્કારોનો દાવો કર્યો નહોતો. આશ્રમે સ્પષ્ટ કર્યું છે કે, બાપાનો સાચો ઇતિહાસ અને સાચી ભક્તિ જળવાઈ રહે તે ખૂબ આવશ્યક છે. જે ભક્તોએ સોશિયલ મીડિયા પર AI ફોટા પોસ્ટ કર્યા છે તેમને તે હટાવી લેવા માટે હૃદયપૂર્વક અનુરોધ કરવામાં આવ્યો છે.
