Bhavnagar News: ભાવનગરની એક ચકચારી ઘટના સામે આવી છે. અહીં ફરજ બજાવતા એક ફોરેસ્ટ અધિકારીના પરિવારના 3 સભ્યો છેલ્લા 10 દિવસથી ગુમ હતા. જેમાં અધિકારીના પત્ની અને બે સંતાનોના મૃતદેહ ફોરેસ્ટ કોલોની નજીક એક ખાડામાંથી દાટેલી હાલતમાં મળ્યો છે. પોલીસે ત્રણેયની હત્યા કરીને પુરાવા છુપાવવા માટે મૃતદેહોને દાટી દીધા હોવાની પ્રબળ આશંકા સાથે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
સુરત જવા નીકળ્યા બાદ ગુમ થયા હતા
ભાવનગરના તળાજા રોડ પર આવેલા કાચના મંદિર પાસે રહેતા ફોરેસ્ટ અધિકારીનો પરિવાર મૂળ સુરત ખાતે સંયુક્ત રીતે રહે છે. થોડા દિવસ અગાઉ, 40 વર્ષીય પત્ની નયનાબેન રબારી, 13 વર્ષની પુત્રી પ્રુથા રબારી અને 9 વર્ષીય પુત્ર ભવ્ય રબારી વેકેશન કરવા ભાવનગર આવ્યા હતા. વેકેશન પૂરું થયા બાદ ત્રણેય સુરત જવા માટે નીકળ્યા હોવાનું જાણવા મળ્યું હતું, પરંતુ તેઓ સુરત ન પહોંચતા પરિવારજનોમાં ચિંતા વ્યાપી હતી. પરિવારજનોએ ઘેરમેળે શોધખોળ શરૂ કર્યા બાદ ભરતનગર પોલીસમાં જાણવા જોગ નોંધાવી હતી. પોલીસને જાણ કરવામાં આવી હતી કે માતા પોતાના બંને બાળકો સાથે મોબાઈલ ઘરે મૂકીને ગયા હતા, જેના કારણે તેમની શોધખોળ મુશ્કેલ બની હતી. પરિવારજનોએ સોશિયલ મીડિયા પર પણ મદદ માંગી હતી.
હત્યા કરીને લાશ દાટી દેવાઈ હોવાની શંકા
લાપતા થયેલા આ ત્રણેય સભ્યોની લાશ ભાવનગરની ફોરેસ્ટ કોલોની નજીક એક ખાડામાંથી મળી આવી છે. મૃતદેહોને દાટી દેવાયેલા હોવાથી, આ ઘટના હત્યા અને પુરાવાનો નાશ કરવાનો ગંભીર ગુનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ ઘટનાની જાણ થતાં જ ભાવનગર પોલીસનો ઉચ્ચ કાફલો તુરંત સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહોને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. પીઆઈ કુરેશીના જણાવ્યા મુજબ, પોલીસે અગાઉ સીસીટીવી ફૂટેજ ચેક કરવા સહિતની તપાસ હાથ ધરી હતી, પરંતુ હવે મૃતદેહ મળી આવતા હત્યાના એન્ગલથી ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ અધિકારીના પત્ની અને બે નિર્દોષ સંતાનોની હત્યાથી શહેરભરમાં હાહાકાર મચી ગયો છે.
