Bhavnagar News: જો હિંમત અને ઈચ્છાશક્તિ મજબૂત હોય તો શારીરિક કદ કે અન્ય કોઈ અવરોધ વ્યક્તિને આગળ વધતા રોકી શકતો નથી. આ વાત ભાવનગરના 25 વર્ષીય ડૉ. ગણેશ બારૈયાએ સાબિત કરી બતાવી છે. માત્ર ત્રણ ફૂટનું કદ અને 20 કિલો વજન ધરાવતા તથા 72 ટકા લોકમોટિવ દિવ્યાંગતાથી પીડિત હોવા છતાં, ગણેશ આજે સફળ ડોક્ટર બની ગયા છે. તેમણે ગુરુવારે એક મેડિકલ ઓફિસર તરીકે પોતાની પ્રથમ નોકરીની શરૂઆત કરીને અનેક લોકો માટે પ્રેરણાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
ડૉ. ગણેશે ડોક્ટર બનવાના પોતાના સ્વપ્નને સાકાર કરવા માટે લાંબી અને કપરી લડાઈ લડી છે. તેમને મેડિકલ કોર્સમાં પ્રવેશ મેળવવા માટે સુપ્રીમ કોર્ટ સુધી કાનૂની જંગ ખેડવો પડ્યો હતો. મેડિકલ કાઉન્સિલે તેમની દિવ્યાંગતાના આધારે પ્રવેશ આપવાનો ઇનકાર કરી દીધો હતો, પરંતુ ગણેશે હાર ન માની અને કોર્ટમાંથી મંજૂરી મેળવીને MBBSમાં પ્રવેશ મેળવ્યો, જ્યાં તેમણે સારા ગુણ સાથે સ્નાતક થયા.
આઠ ભાઈ-બહેનોમાં સૌથી નાના ગણેશના જીવનની એક મોટી પ્રાથમિકતા પોતાના ખેડૂત માતા-પિતા માટે એક પાકું મકાન બનાવવાની હતી. ભાવનગરના ગોરખી ગામમાં તેમનું એક કાચું મકાન હતું. રેસિડેન્ટ ડોક્ટર તરીકે તેમને જેવું થોડું વેતન મળવાનું શરૂ થયું, તરત જ તેમણે ઘરનું કામ શરૂ કરી દીધું. વચ્ચે અનેક વખત કામ રોકવું પડ્યું, પરંતુ આખરે તેમનું આ સ્વપ્ન પણ પૂરું થયું છે.
ડૉ. ગણેશ જણાવે છે કે નાના કદને કારણે તેમને મેડિકલ લેબમાં થોડી મુશ્કેલી પડતી હતી, પરંતુ ક્લાસમાં તેમને હંમેશા આગળની હરોળમાં બેસાડવામાં આવતા હતા અને પ્રોફેસરો તથા સાથી ડોકટરોએ તેમને હંમેશા મદદ કરી હતી. બાળપણમાં પાડોશી બાળકો કે શાળાના સાથીદારો દ્વારા તેમની શારીરિક નબળાઈની મજાક ઉડાવવામાં આવતી, પરંતુ ખેડૂત માતા-પિતાના આ સંતાને આ બધું સહન કરી પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો અને આજે તેઓ સફળતાના શિખરે પહોંચ્યા છે.
આ પણ વાંચોઃ અમદાવાદનો ચેતવણીરૂપ કિસ્સો
પોતાની પ્રથમ નોકરી મેડિકલ ઓફિસર તરીકે શરૂ કરવાની સાથે જ ડૉ. ગણેશ બારૈયા સમાજ અને દિવ્યાંગો માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમના ખેડૂત માતા-પિતા સહિત સમગ્ર પરિવાર આજે તેમની આ સફળતાથી ખૂબ જ ખુશ છે. ડૉ. ગણેશની આ પ્રેરણાદાયક ગાથા સાબિત કરે છે કે દ્રઢ નિશ્ચય, અડગ હિંમત અને સખત મહેનતથી કોઈપણ વ્યક્તિ જીવનમાં સફળતા પ્રાપ્ત કરી શકે છે, ભલે ગમે તેટલા અવરોધો કેમ ન હોય.
