Bhavnagar Hospital Fire: ભાવનગરના ભરચક ગણાતા એવા કાળાનાળા વિસ્તારમાં આવેલા સમીપ કોમ્પ્લેક્ષમાં આજે સવારે આગનો બનાવ બન્યો હતો. બેઝમેન્ટમાં લાગેલી આગ બિલ્ડિંગમાં પ્રસરી હતી. બનાવની જાણ થતાં ફાયર વિભાગની ટીમ પહોંચી હતાી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ લાગી એ દરમિયાન અફરા-તફરીના માહોલ વચ્ચે સ્થાનિક યુવાનો અને ફાયર વિભાગ દ્વારા કોમ્પલેક્ષમાં આવેલી હોસ્પિટલમાંથી દર્દીઓને રેસ્ક્યૂ કરવાની કામગીરી હાથ ધરી હતી.
સ્થાનિકો અને ફાયર વિભાગે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું
બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, આજે સવારે 9 વાગ્યાની આસપાસ કાળુભાર રોડ પર સ્થિત સમીપ કોમ્પ્લેક્સમાં આગનો બનાવ બન્યો હતો. કોમ્પ્લેક્સમાં 10-15 જેટલી હોસ્પિટલ આવેલી હોવાથી અફરા-તફરી મચી હતી. આગના ગોટે-ગોટા દૂર સુધી દેખાઈ રહ્યાં હતા. બનાવની જાણ થતાં ફાયર વિભાગની ટીમ પહોંચી હતી. આગના બનાવની જાણ થતાં સ્થાનિક યુવાનો દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

3 જેટલી ફાયર ફાઈટરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી
ફાયર વિભાગની ટીમ અને સ્થાનિક યુવાનો દ્વારા કોમ્પ્લેક્ષમાં આવેલી હોસ્પિટલમાં ફસાયેલા દર્દીઓને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. ફાયર બ્રિગેડની કામગીરી ચાલુ બનાવની ગંભીરતાને જોતા ફાયર વિભાગને જાણ કરવામાં આવતા હાલ 3 જેટલી ફાયર ફાઈટરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરુ કરી હતી. આગની તીવ્રતા વધુ હોવાથી અન્ય ફાયર ફાઈટરોને પણ ઘટનાસ્થળે રવાના કરી દેવામાં આવ્યા છે. પ્રાથમિક તબક્કે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી અને હાલ પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણ હેઠળ
ભાવનગરના કલેકટર મનીષ બંસલે જણાવ્યું હતું કે, ભાવનગર શહેરના કાળુભાર રોડ પર સ્થિત સમીપ કોમ્પ્લેક્સમાં આજે સવારે 9 વાગ્યાની આસપાસ આગ ફાટી નીકળી હતી. આ કોમ્પ્લેક્સમાં અંદાજે 10-15 હોસ્પિટલો સહિત અન્ય દુકાનો અને ઓફિસો આવેલી છે. આગની ઘટનાની જાણ થતાં જ ફાયર ફાયટર, એમ્બ્યુલન્સ અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.
ઝડપી કાર્યવાહી કરીને હોસ્પિટલમાં દાખલ બાળકો અને અન્ય દર્દીઓને કાચ તોડીને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા અને તેમને ભાવનગર મેડિકલ કોલેજની સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ફાયર ફાયટર, એમ્બ્યુલન્સ, પોલીસ અને સ્થાનિક લોકોના સઘન સહયોગ અને પ્રયાસોને કારણે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી અને હાલ પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણ હેઠળ છે.
