UpdatedIST

ગીરના સિંહો માટે હાઈટેક સુરક્ષા કવચ: ભાવનગર ડિવિઝનમાં 115 કિમી રેલવે ટ્રેક પર AI સિસ્ટમ મુકાશે; સિંહ ટ્રેક નજીક આવતા જ ડ્રાઈવરને મળશે એલર્ટ

કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, ભાવનગર રેલવે ડિવિઝન હેઠળ આવતા દામનગરથી પીપાવાવ સુધીના અંદાજે 115 કિલોમીટર લાંબા રેલવે ટ્રેક પર આ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Mon 09 Feb 2026 12:05 PM (IST)Updated: Mon 09 Feb 2026 12:05 PM (IST)
hi-tech-solution-to-prevent-asiatic-lion-deaths-ai-cameras-to-monitor-lions-in-bhavnagar-parimal-nathwani-shares-details-688674

Lion Safety In Bhavnagar: ગુજરાતના ગીર વિસ્તારમાં રેલવે ટ્રેક પર સિંહોના અકસ્માત રોકવા માટે રેલવે મંત્રાલયે કમર કસી છે. રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય રેલવે મંત્રીએ માહિતી આપી હતી કે, એશિયાઈ સિંહોની અવરજવર વાળા વિસ્તારોમાં હવે 'કૃત્રિમ બુદ્ધિ' (AI) સંચાલિત ઘુસણખોરી શોધ સિસ્ટમ (Intrusion Detection System) તૈનાત કરવામાં આવશે.

115 કિલોમીટરનો ટ્રેક થશે સજ્જ

કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, ભાવનગર રેલવે ડિવિઝન હેઠળ આવતા દામનગરથી પીપાવાવ સુધીના અંદાજે 115 કિલોમીટર લાંબા રેલવે ટ્રેક પર આ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. આ વિસ્તાર સિંહોની અવરજવર માટે અત્યંત સંવેદનશીલ માનવામાં આવે છે અને અગાઉ અહીં ટ્રેન સાથે અથડાવાથી અનેક સિંહોના મોત થયાના કિસ્સાઓ સામે આવ્યા છે.

AI સિસ્ટમ કેવી રીતે કામ કરશે?

આ આધુનિક ટેકનોલોજી સિંહોના રક્ષણ માટે 'રિયલ ટાઈમ' મોનિટરિંગનું કામ કરશે:

  • તાત્કાલિક એલર્ટ: જેવો કોઈ સિંહ રેલવે ટ્રેકની નજીક પહોંચશે, ત્યારે AI કેમેરા અને સેન્સર્સ તેને ઓળખી લેશે.
  • સૂચનાનું આદાન-પ્રદાન: સિંહની હાજરીની જાણ થતા જ સિસ્ટમ આપોઆપ ટ્રેનના લોકો પાયલટ (ડ્રાઈવર), નજીકના સ્ટેશન માસ્ટર અને રેલવે કંટ્રોલ રૂમને એલર્ટ મેસેજ મોકલશે.
  • ઝડપ પર નિયંત્રણ: એલર્ટ મળતા જ ડ્રાઈવર સમયસર ટ્રેનની ઝડપ ઘટાડી શકશે અથવા તેને ઉભી રાખી શકશે, જેથી સંભવિત અકસ્માત ટાળી શકાય.

અંડરપાસ દ્વારા સુરક્ષિત માર્ગની સુવિધા

માત્ર ટેકનોલોજી જ નહીં, પણ ભૌતિક માળખામાં પણ ફેરફાર કરવામાં આવી રહ્યા છે. સિંહોને ટ્રેક ઓળંગવા માટે જોખમ ન લેવું પડે તે માટે રેલવે પાટા નીચે બે અંડરપાસ તૈયાર કરી દેવામાં આવ્યા છે. વધુમાં, સિંહોની સુરક્ષિત અવરજવર માટે ભવિષ્યમાં બીજા પાંચ નવા અંડરપાસ બનાવવાનું આયોજન પણ રેલવે મંત્રીએ જાહેર કર્યું છે.

પરિમલ નથવાણીની રજૂઆતનો પડઘો

સાંસદ પરિમલ નથવાણીએ અગાઉ અનેકવાર વન્યજીવોના રક્ષણ માટે સક્રિયતા દાખવી છે. તેમણે રાજ્યસભામાં પૂછ્યું હતું કે, ગીરના રેલ કોરિડોરમાં વારંવાર થતા સિંહોના મૃત્યુ અટકાવવા સરકાર પાસે શું નક્કર પ્લાન છે. સરકારના આ હાઈટેક અભિગમથી વન્યજીવ પ્રેમીઓમાં ખુશીની લહેર જોવા મળી છે. આ પ્રોજેક્ટ સફળ થવાથી ગીરના રાજા સિંહો માટે રેલવે ટ્રેક હવે 'ડેથ ટ્રેપ' નહીં રહે.