Dr Ganesh Baraiya Story: ગુજરાતના ગણેશ બારૈયાએ કાયદાકીય લડાઈ લડીને ડૉક્ટર બનવાનું પોતાનું સપનું સાકાર કર્યું છે અને તેઓ આજે સૌ કોઈ માટે એક પ્રેરણાસ્ત્રોત છે. તેમની આ મુસાફરીમાં કાયદાકીય સંઘર્ષની શરૂઆત ત્યારે થઈ જ્યારે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (MCI) એ માત્ર તેમની ઊંચાઈના કારણે તેમને 2018માં MBBSના અભ્યાસક્રમમાં પ્રવેશ આપવાનો ઇનકાર કરી દીધો હતો.
માત્ર ત્રણ ફૂટની હાઇટ છે
બારૈયાની ઊંચાઈ માત્ર ત્રણ ફૂટ છે અને દ્વાર્ફિઝમ (વામનતા) ને કારણે તેમનું વજન 20 કિલોથી ઓછું છે. તેઓ 72 ટકા લોકોમોટિવ વિકલાંગતા (Locomotive Disability) થી પણ પીડાય છે. MCI એ શરૂઆતમાં તેમની આ શારીરિક મર્યાદાઓનો હવાલો આપ્યો હતો, જે ડોક્ટર તરીકેના તેમના કાર્યમાં અવરોધરૂપ બની શકે તેમ હતું.
હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં કાયદાકીય લડત
તળાજાના નીલકંઠ વિદ્યાપીઠના હાઇસ્કૂલ ગ્રેજ્યુએટ ગણેશ બારૈયાએ આ નિર્ણય સામે હિંમત હાર્યા વિના લડત આપી. તેમણે ગુજરાત હાઇકોર્ટમાં કેસ દાખલ કર્યો. તેમના વકીલ ખર્ચમાં તેમના ખેડૂત પરિવારની મદદ માટે શાળાના આચાર્ય ડૉ. દલપતભાઈ કટારિયાએ સહયોગ કર્યો. જોકે, હાઇકોર્ટે શરૂઆતમાં MCIના ઇનકારને માન્ય રાખ્યો, પરંતુ ગણેશે તેમનું સપનું છોડ્યું નહીં.
તેમણે વચગાળાના પગલા તરીકે B.Sc. પ્રોગ્રામમાં પ્રવેશ લીધો અને પોતાની લડતને સુપ્રીમ કોર્ટ સુધી લંબાવી. ટોચની અદાલતમાં કેસ દાખલ કર્યાના ચાર મહિના પછી, સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો કે ગણેશને તેમની ત્રણ ફૂટની ઊંચાઈના કારણે પ્રવેશ નકારી શકાય નહીં. આ ચુકાદાથી તેમને મેડિકલ ડિગ્રી મેળવવાનો અને સમાજની સેવા કરવાનો માર્ગ મોકળો થયો.
ગરીબ લોકોની સેવા કરવા માંગે છે
કોર્ટના સમર્થન સાથે, બારૈયાએ 2019 માં ભાવનગર મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવ્યો અને સફળતાપૂર્વક શિક્ષણ પૂર્ણ કર્યું. રાજ્ય-આદેશિત ઇન્ટર્નશિપ પૂર્ણ કર્યા પછી, બારૈયા હવે ડૉક્ટર તરીકે સેવા આપી રહ્યા છે, જે તેમનું વર્ષો જૂનું સપનું હતું.
ડૉ. બારૈયા, જેમને વિશ્વના સૌથી ઓછી ઊંચાઈ ધરાવતા ડૉક્ટર તરીકે પણ માન્યતા મળી શકે છે, તેમણે કહ્યું, "હું ગ્રામીણ વિસ્તારોમાં ગરીબ લોકોની સારવાર કરવા માંગુ છું. ત્યાં જ સૌથી વધુ જરૂરિયાત છે." તેમની ઊંચાઈને કારણે રોજિંદા પડકારો વિશે વાત કરતાં તેમણે કહ્યું કે, દર્દીઓ શરૂઆતમાં તેમની ઊંચાઈને લઈને થોડો આશ્ચર્ય અનુભવે છે, પરંતુ સમય જતાં તેઓ સહજ બની જાય છે અને તેમને ડૉક્ટર તરીકે સ્વીકારે છે. ડૉ. ગણેશ બારૈયાની આ યાત્રા શારીરિક મર્યાદાઓ હોવા છતાં, મક્કમતા, દ્રઢ સંકલ્પ અને વિશ્વને વધુ સારું બનાવવાની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે.
