Bhavnagar Railway: પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળમાં ફરજ બજાવતા લોકો પાયલોટની ત્વરિત સૂઝબૂઝ અને સજાગતાના કારણે એક મોટો અકસ્માત ટળ્યો છે. દામનગર-લીલીયા મોટા રેલખંડ પર રેલવે ટ્રેક પર આવી ગયેલા એશિયાટિક સિંહને જોઈને લોકો પાયલોટે ક્ષણનો પણ વિલંબ કર્યા વગર ઇમરજન્સી બ્રેક લગાવી માલગાડી અટકાવી દીધી હતી. જેના કારણે સિંહનો આબાદ બચાવ થયો હતો.
ટ્રેક પર અચાનક આવી ગયો સાવજ
તાજી માહિતી અનુસાર, 02 ઓગસ્ટ, 2026ના રોજ સુરેન્દ્રનગર ગેટ હેડક્વાર્ટરના લોકો પાયલોટ મહેન્દ્ર લકુમ અને વરિષ્ઠ સહાયક લોકો પાયલોટ વિકાસ બૈરવા માલગાડી લઈને દામનગર–લીલીયા મોટા રેલખંડ પરથી પસાર થઈ રહ્યા હતા.
કિલોમીટર નંબર 25/6–25/7 નજીક પહોંચતા જ ટ્રેકના મધ્યમાં એક એશિયાટિક સિંહ ઉભેલો જોવા મળ્યો હતો. માલગાડી સ્પીડમાં હોવા છતાં, બંને લોકો પાયલોટોએ સમયસૂચકતા વાપરીને તાત્કાલિક ઇમરજન્સી બ્રેક ચોંટાડી દીધી હતી. બ્રેક લાગતા જ ટ્રેન સિંહથી થોડે દૂર જ સુરક્ષિત રીતે ઊભી રહી ગઈ હતી.

વન વિભાગે હાથ ધર્યું રેસ્ક્યૂ
ટ્રેન રોકાયા બાદ તુરંત જ લોકો પાયલોટે ટ્રેન મેનેજર (ગાર્ડ)ને આ અંગે નિર્દેશ આપ્યો હતો. ગાર્ડ દ્વારા વન વિભાગને જાણ કરાતાં જ નજીકમાં તૈનાત ફોરેસ્ટ ટ્રેકરની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. વન વિભાગના સ્ટાફે સમયસર પહોંચીને સિંહને ટ્રેક પરથી સુરક્ષિત રીતે જંગલ તરફ ખસેડ્યો હતો. ટ્રેક ક્લિયર થયા બાદ જ માલગાડીને આગળ તરફ રવાના કરવામાં આવી હતી.
ભાવનગર મંડળનો ગૌરવપૂર્ણ રેકોર્ડ
ભાવનગર મંડળ એશિયાટિક સિંહો અને અન્ય વન્યજીવોના રક્ષણ માટે કટિબદ્ધ છે. વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યા મુજબ, રેલવે અને વન વિભાગના બહેતર સંકલનથી સિંહોને બચાવવામાં મોટી સફળતા મળી છે.
| સમયગાળો (નાણાકીય વર્ષ) | રેલવે ટ્રેક પરથી સુરક્ષિત બચાવાયેલા સિંહો |
| FY 2024-25 | 159 |
| FY 2025-26 | 129 |
| FY 2026-27 (એપ્રિલથી અત્યાર સુધી) | 33 |
ઉચ્ચ અધિકારીઓ દ્વારા પ્રશંસા
આ ઉત્કૃષ્ટ અને સંવેદનશીલ કામગીરી બદલ મંડળ રેલ પ્રબંધક (DRM) દિનેશ વર્મા તથા અપર મંડળ રેલ પ્રબંધક ઋત્વિક શર્મા સહિત ભાવનગર મંડળના વરિષ્ઠ અધિકારીઓએ બંને લોકો પાયલોટોની કર્તવ્યનિષ્ઠા અને ત્વરિત નિર્ણય ક્ષમતાને બિરદાવી તેમને અભિનંદન પાઠવ્યા હતા.
