Gujarat Lake Restoration: કચ્છ જિલ્લો ભૌગોલિક રીતે અર્ધશુષ્ક ક્ષેત્રમાં આવતો હોવાથી પાણી એ સૌથી મોટી જરૂરિયાત બની જાય છે. આ પરિસ્થિતિમાં પીવાના પાણી, કૃષિ અને પશુપાલન માટે જળ સંસાધનો, તળાવો અને વોટરબોડીનું સંવર્ધન અને સંરક્ષણ અત્યંત અનિવાર્ય છે. આ વિચારને સાર્થક કરતી ઝુંબેશ કચ્છ કલેક્ટર આનંદ પટેલની આગેવાનીમાં ત્રણ મહિના પહેલા કચ્છના મહેસૂલ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી હતી. ગુજરાતમાં આ પ્રકારની પ્રથમ પહેલ હોવાનું માનવામાં આવી રહ્યું છે. કચ્છના 281 ગામના 910 તળાવોને રેકર્ડ પર લાવવામાં આવ્યા છે અને તેનું બ્યુટીફિકેશન, જળસંચય અને સંરક્ષણની કામગીરી હાથ ધરવામાં આવી છે.
ગુજરાતમાં સૌપ્રથમ વખત 910 તળાવોને રેકર્ડ પર લાવી બ્યુટીફિકેશન
કલેક્ટર આનંદ પટેલના માર્ગદર્શનમાં મહેસૂલી તંત્ર દ્વારા નીમ ન થયેલા તળાવો અને વોટરબોડીની ઓળખ કરીને તેને નીમ કરવાની પ્રક્રિયા ઝુંબેશરૂપે શરૂ કરવામાં આવી. ગુજરાતમાં સૌપ્રથમ વખત કચ્છના 281 ગામના કુલ 910 તળાવોને રેવન્યૂ રેકર્ડ પર લાવી બ્યુટીફિકેશન, જળસંચય અને સંરક્ષણ માટે કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ ઝુંબેશમાં તળાવો અને વોટરબોડીને સત્તાવાર દરજ્જો આપતા પહેલા તેના ક્ષેત્રફળની માપણીનો અભિગમ અનુસરવામાં આવ્યો. જેથી ભવિષ્યમાં તળાવોના ક્ષેત્રફળને લઈને કોઈ જ વાદવિવાદ ઉપસ્થિત ન થાય અને સત્તાવાર દરજ્જા બાદ તળાવ સંરક્ષણ અને સંવર્ધનના કામોનું સુચારુંરૂપે અમલીકરણ કરી શકાય.
'તળાવ નીમ' કરવાનું અભિયાન ઝુંબેશરૂપે શરૂ કર્યું
કચ્છ જિલ્લા કલેક્ટર આનંદ પટેલે સંબંધિત પ્રાંત અધિકારીઓ, મામલતદારઓ, લેન્ડ રેકર્ડ ઓફિસર્સ સાથે બેઠક યોજીને તળાવની જમીનોના સંરક્ષણ, સંવર્ધન અને બ્યૂટીફિકેશન માટે 'તળાવ નીમ' કરવાનું અભિયાન ઝુંબેશરૂપે શરૂ કર્યું. મજબૂત રેકર્ડ નિભાવણી થઈ શકે અને ભવિષ્યમાં તળાવોના ક્ષેત્રફળને લઈને કોઈ જ વાદવિવાદ ન થાય તે માટે કચ્છ કલેક્ટર આનંદ પટેલની સૂચનાનુસાર વૈજ્ઞાનિક માપણીમાં ડીઆઈએલઆરને સાથે રાખીને પ્રાથમિકતા આપવામાં આવી.
જમીનની માપણી બાદ તળાવ નીમના આખરી હુકમો કરાયા
જમીનની માપણી બાદ તળાવ નીમના આખરી હુકમો કરવામાં આવ્યા, જેથી ભવિષ્યમાં માપણી અંગે કોઈ વિવાદ ન રહે. ડીઆઈએલઆર કચેરી દ્વારા આધુનિક માપણી પ્રક્રિયા કરવામાં આવી હોય આગામી વર્ષોમાં તળાવોના નિયત ક્ષેત્રફળમાં દબાણો, ગેરકાયદેસર કબજો વગેરે પ્રવૃત્તિઓ અટકશે. ઉલ્લેખનીય છે કે, ભુજ શહેરમાં 21 જેટલા તળાવોને નીમ કરવાના હુકમ કચ્છ કલેક્ટર દ્વારા કરવામાં આવ્યા છે અને આ તળાવોને સંબંધિત ઓથોરિટી સોંપવાની પ્રક્રિયા પૂર્ણ કરાઈ છે.

કચ્છના 10 તાલુકામાં અંદાજિત 5691 એકર જમીન તળાવ માટે નીમ કરાઈ
કચ્છ કલેક્ટરના દિશાદર્શનમાં કચ્છ જિલ્લાના તમામ 10 તાલુકામાં તળાવ નીમ કરવાનું અભિયાન શરૂ કરાયું હતું. જેમાં ભુજમાં 313, મુન્દ્રામાં 25, માંડવીમાં 38, નખત્રાણામાં 163, અબડાસામાં 87, અંજારમાં 132, ભચાઉમાં 78, રાપરમાં 18, લખપતમાં 45 અને ગાંધીધામમાં 11 એમ કુલ 910 તળાવો નીમ કરાયા છે. કચ્છના 281 ગામમાં કુલ 910 તળાવો માટે અંદાજિત 5691 એકર જમીન નીમ કરાઈ છે. જે જમીનો સ્થાનિક સ્તરે તળાવ તરીકે અસ્તિત્વ ધરાવતી હતી પરંતુ ચોક્કસ રેકર્ડ પર ક્ષેત્રફળ સાથેનો દરજ્જો મળ્યો ન હોય ત્યાં જળસંચય, સંવર્ધન, સંરક્ષણ અને બ્યૂટિફિકેશનના કામો થઈ શકતા ન હતા. કચ્છના મહેસૂલી તંત્રની ઝુંબેશે તળાવોને સત્તાવાર દરજ્જો આપી વિકાસાધિન બનાવ્યા છે.
તળાવ નીમ અભિયાનમાં ઘણાબધા તળાવો ગૌચર જમીન પર હતા
આ તળાવ નીમ અભિયાનમાં ઘણાબધા તળાવો ગૌચર જમીન પર હતા તો તેની ઓળખ કરી તેની સંપૂર્ણ માહિતી જિલ્લા પંચાયતને સોંપવામાં આવી છે. જેથી આ તળાવોનું સ્થાનિક સ્વરાજ્ય તંત્ર દ્વારા સંરક્ષણ અને સંવર્ધન થઈ શકે. કચ્છના 910 તળાવોને હવે સત્તાવાર મહેસૂલી રેકર્ડમાં દરજ્જો પ્રાપ્ત થયો હોય આગામી સમયમાં 'સુજલામ સુફલામ યોજના', અમૃત સરોવર, વીબીજીરામજી વગેરે યોજનાઓ હેઠળ સ્થાનિક સંસ્થાઓના સહયોગથી જળસંચયના કામો કરી શકાશે. તળાવના નીમ થવાથી પર્યાવરણી જાળવણી થઈ શકશે અને વન વિભાગ દ્વારા આ તળાવોની આસપાસ વૃક્ષારોપણની કામગીરી કરવામાં આવશે.
મોટી સંખ્યામાં તળાવોને નીમ કરવાની ઝુંબેશ હાથ ધરાઈ
ગુજરાતમાં સૌપ્રથમ વખત કચ્છના મહેસૂલી તંત્ર દ્વારા આટલી મોટી સંખ્યામાં તળાવોને નીમ કરવાની ઝુંબેશ હાથ ધરાઈ છે, જેનાથી સૌથી મોટો ફાયદો ભૂર્ગભ જળમાં સુધારા બાબતે થશે. આસપાસના વિસ્તારના ટ્યૂબવેલ, બોરવેલ અને કુવાઓના જળસ્તર ઊંચા આવશે. તળાવોને સત્તાવાર મહેસૂલી દરજ્જો મળવાથી હવે જળસંચયના લગતા વોટર હાર્વેસ્ટિંગ અને પાઈપલાઈન પ્રોજેક્ટ્સ પરનો રાજ્ય સરકારનો ખર્ચ ઘટશે. મોટા પ્રમાણમાં જળસંગ્રહ થવાથી 'માઈક્રો-ક્લાઈમેટ'માં સુધારો થશે. તળાવોના સંરક્ષણથી ખારાશ ઘટશે જેથી પીવાના અને સિંચાઈના પાણીની ગુણવત્તા સુધરશે.
ઝુંબેશથી કૃષિ ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે
કચ્છ વહીવટી તંત્રની આ ઝુંબેશથી પશુ-પંખીઓ માટે વિશ્વસનીય પીવાના પાણીના સ્ત્રોત ઊભા થશે અને કૃષિ ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે. કચ્છ કલેક્ટર દ્વારા આ તળાવોના વિકાસ માટે સિંચાઈ વિભાગ અને વનવિભાગને ચોક્કસ આયોજન કરવા સૂચના આપવામાં આવી છે. આથી ભવિષ્યમાં જળસંચય, વૃક્ષારોપણ વગેરે કામો આયોજનબદ્ધ રીતે કરી શકાશે. કચ્છ કલેક્ટર આનંદ પટેલની આગેવાનીમાં સમગ્ર મહેસૂલ ટીમ દ્વારા તળાવ નીમની કામગીરી એ પર્યાવરણ રક્ષણ તેમજ ભવિષ્યની પેઢી માટે જળ સંવર્ધનનું દાયિત્વ પૂર્ણ કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું બની રહેશે.
