Dhordo Greenfield Airport: કચ્છ જિલ્લાના પ્રવાસન અને આર્થિક વિકાસને વેગ આપવાની દિશામાં ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ હાથ ધર્યો છે. હાલમાં સાત હેલિપેડની સુવિધા ધરાવતા ધોરડો ગામ ખાતે હવે નવું આધુનિક ‘ગ્રીનફિલ્ડ એરપોર્ટ’ વિકસાવવામાં આવશે, જેના માટે 1 કરોડની ટોકન રકમ પણ ફાળવી દેવામાં આવી છે.
ઉત્તર-પૂર્વ કચ્છમાં હવાઈ કનેક્ટિવિટીનો અભાવ
કચ્છ જિલ્લામાં હાલ ભુજ અને કંડલામાં બે સરકારી એરપોર્ટ તથા મુન્દ્રા અને ખાવડા ખાતે ખાનગી એરસ્ટ્રીપ કાર્યરત છે. જેમાં માત્ર ભુજ એરપોર્ટ જ વ્યાપક ધોરણે કાર્યરત છે, જે મુખ્યત્વે ભારતીય વાયુસેનાના કમાન્ડ હેઠળ છે. મુન્દ્રામાં આવેલું એરપોર્ટ ખાનગી નિયંત્રણ હેઠળ છે, અને ત્યાં કોમર્શિયલ ફ્લાઇટ્સ મર્યાદિત છે. આમ, કચ્છના ઉત્તર-પૂર્વ ભાગ સુધી કોઈ હવાઈ કનેક્ટિવિટી ઉપલબ્ધ નથી.
ધોરડો (કચ્છ) ખાતે પ્રસ્તાવિત ગ્રીનફિલ્ડ એરપોર્ટ
કચ્છ જિલ્લો હાલમાં પ્રવાસન અને ઔદ્યોગિક-લોજિસ્ટિક હબ તરીકે ખૂબ જ ઝડપથી વિકસી રહ્યો છે. ધોરડો (કચ્છ) ખાતે પ્રસ્તાવિત ગ્રીનફિલ્ડ એરપોર્ટ એ ગુજરાતના પ્રવાસન ક્ષેત્ર માટે અત્યંત મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે. સફેદ રણ અને રણોત્સવની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને સરકાર અહીં ઝડપી કનેક્ટિવિટી આપવા માંગે છે.
સમય બચશે, પ્રવાસનને મળશે વેગ
વિશ્વવિખ્યાત રણોત્સવ જોવા આવતા લાખો પ્રવાસીઓએ હાલમાં ભુજ એરપોર્ટ ઉતરીને 80 કિમી જેટલી લાંબી મુસાફરી કરવી પડે છે. રણ ઉત્સવના ટેન્ટ સિટી નજીક આ એરપોર્ટ બનવાથી પ્રવાસીઓ સીધા જ સફેદ રણ (White Desert) સુધી પહોંચી શકશે, અને તેમનો 2 થી 3 કલાકનો સમય બચશે.
ધોરડો ગ્રીનફિલ્ડ એરપોર્ટ કાર્યરત થવાથી ભુજ એરપોર્ટ પરનું ટ્રાફિક ભારણ ઘટશે, અને સ્થાનિક હસ્તકલાના ઉત્પાદનોને મોટા બજારો સાથે સીધું જોડાણ મળશે. આ ઉપરાંત, ભારત-પાકિસ્તાન સરહદ નજીક હોવાથી BSF અને વાયુસેના જેવા સંરક્ષણ દળો માટે આ એરપોર્ટ લોજિસ્ટિક સપોર્ટ તરીકે વ્યૂહાત્મક ભૂમિકા ભજવશે.

ધોરડો એરપોર્ટની વર્તમાન સ્થિતિ
ગુજરાત સરકારના નાગરિક ઉડ્ડયન વિભાગે ધોરડો ગ્રીનફિલ્ડ એરપોર્ટ માટે પૂર્વ-ફિઝિબિલિટી રિપોર્ટ (Pre-feasibility Report) તૈયાર કરી લીધો છે, અને તેને કેન્દ્રની UDAN 5.0 યોજના હેઠળ પ્રાથમિકતા આપવામાં આવી છે. વર્ષ 2026 માં આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે જમીન સર્વેક્ષણની કામગીરી હાલ ચાલી રહી છે.
અત્યાધુનિક એરપોર્ટની વિશેષતા
- રનવે અને ફ્લાઇટ્સ: શરૂઆતમાં અહીં 1,800 થી 2,200 મીટર લાંબો રનવે બનશે, જેમાં ATR-72 અને Q-400 જેવા વિમાનો ઉતરી શકશે. ભવિષ્યમાં પ્રવાસીઓ વધતા તેને Airbus A320 કે Boeing 737 વિમાનો માટે લંબાવવાનું આયોજન છે.
- નાઇટ લેન્ડિંગ: રણ વિસ્તારમાં સાંજના સમયે પ્રવાસીઓ વધુ આવતા હોવાથી, રાત્રે પણ ફ્લાઇટ ઉતરી શકે તે માટે આધુનિક ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ (ILS) ઉભી કરાશે.
- કનેક્ટિવિટી: ધોરડોથી અમદાવાદનું હવાઈ અંતર માત્ર 45-50 મિનિટનું થઈ જશે. મુંબઈના પ્રવાસીઓને સીધું ઉતરાણ મળશે, જ્યારે દિલ્હી અને જયપુર માટે સીઝનલ ફ્લાઇટ્સ શરૂ કરાશે.
- "સીઝનલ હબ" મોડલ: આ એરપોર્ટને સરકાર "સીઝનલ હબ" મોડલ પર વિકસાવવા માંગે છે, જેમાં રણોત્સવ વખતે રોજ 4-6 ફ્લાઇટ્સ અને ઓફ-સીઝનમાં ચાર્ટર કે વીકએન્ડ ફ્લાઇટ્સ ચાલશે.
આ પણ વાંચો: Dwarka: ફાસ્ટ ટ્રેક પર દ્વારકા ગ્રીનફિલ્ડ એરપોર્ટ પ્રોજેક્ટ, 8 કલાકની મુસાફરી માત્ર 1 કલાકમાં પૂરી થશે
પર્યાવરણ અને હવામાનના મોટા પડકારો
આ પ્રોજેક્ટ સામે કેટલાક મોટા પડકારો પણ છે. ધોરડો 'કચ્છ ડેઝર્ટ વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી'ની નજીક હોવાથી પર્યાવરણ મંત્રાલયની મંજૂરી મેળવવી જટિલ સાબિત થઈ શકે છે. રણ વિસ્તારમાં આવતા રેતીના તોફાનો અને ક્ષારવાળી જમીનના કારણે રનવેની જાળવણી ખૂબ ખર્ચાળ બની શકે છે.
ધોળાવીરા એરપોર્ટ પ્રોજેક્ટ ક્યાં અટવાયો?
નોંધનીય છે કે, વર્ષ 2023માં રાજ્ય સરકારે 11 સ્થળોએ ગ્રીનફિલ્ડ એરપોર્ટ બનાવવા MoU કર્યા હતા, જેમાં ધોરડોનો પણ સમાવેશ થતો હતો. પરંતુ, વર્ષ 2014માં જાહેરાત થયા છતાં ધોળાવીરામાં સ્થાનિક સ્તરે જમીન ઉપલબ્ધ ન થતા ત્યાં એરપોર્ટની કામગીરી હજુ સુધી શરૂ થઈ શકી નથી.
