કચ્છમાં રેલવેનો મોટો વિકાસ: સામાખિયાળી-ભચાઉ સેક્શનનું ચૌહરીકરણ સફળતાપૂર્વક પૂર્ણ, ઝડપી બનશે માલપરિવહન

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે સામાખિયાળી-ભચાઉ સેક્શન પર 17 કિમી લાંબા ચૌહરીકરણ (Quadrupling) પ્રોજેક્ટનું સફળ સ્પીડ ટ્રાયલ પૂર્ણ કર્યું છે. કંડલા અને મુન્દ્રા પોર્ટ માટે માલપરિવહન હવે વધુ ઝડપી બનશે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Fri, 31 Jul 2026 09:27 PM (IST)Updated: Fri, 31 Jul 2026 09:29 PM (IST)
doubling-of-samakhiali-bhachau-section-successfully-completed-freight-transport-to-speed-up

Samakhiali-Bhachau Rail Quadrupling: પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા કચ્છ ક્ષેત્રમાં રેલ નેટવર્કને વધુ મજબૂત અને ઝડપી બનાવવા માટે એક અત્યંત મહત્વપૂર્ણ સફળતા મેળવવામાં આવી છે. સામાખિયાળી અને ભચાઉ વચ્ચે રેલવે લાઈનના ચૌહરીકરણ (Quadrupling - ચાર લાઈન બનાવવાની કામગીરી)નું કામ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે.

આ પ્રોજેક્ટ અંતર્ગત નવી તૈયાર કરાયેલી અપ અને ડાઉન રેલ લાઈન પર લોકોમોટિવ એન્જિનનું સ્પીડ ટ્રાયલ હાથ ધરવામાં આવ્યું હતું, જે સંપૂર્ણપણે સફળ રહ્યું છે. અમદાવાદ મંડળના ડીઆરએમ વેદ પ્રકાશ દ્વારા આ સમગ્ર સેક્શનનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. રેલવે સુરક્ષા આયુક્ત (CRS) દ્વારા આખરી મંજૂરી મળ્યા બાદ ટૂંક સમયમાં આ ટ્રેક પર ટ્રેનોનું કામકાજ નિયમિત ધોરણે શરૂ કરી દેવાશે.

પ્રોજેક્ટની મુખ્ય વિશેષતાઓ અને ટેકનિકલ વિગતો

ટ્રેક લંબાઈ: આ સમગ્ર પ્રોજેક્ટ અંતર્ગત કુલ 32.90 કિલોમીટર લાંબી નવી રેલ લાઈન તૈયાર કરવામાં આવી છે, જેમાં 16.398 કિમી ડાઉન લાઈન અને 16.502 કિમી અપ લાઈનનો સમાવેશ થાય છે.

જટિલ નિર્માણ કાર્ય: ભૌગોલિક પડકારો વચ્ચે પણ 6.25 લાખ ઘનમીટર માટીકામ, 1.27 લાખ ઘનમીટર બ્લેન્કેટિંગ અને 0.96 લાખ ઘનમીટર બેલાસ્ટ (પથ્થર) પાથરવાનું કામ પૂરું કરાયું છે.

બ્રિજ અને ફાટક: ભારે રેલ વાહનવ્યવહારને પહોંચી વળવા 4 મોટા પુલ, 25 નાના પુલ અને 9 લેવલ ક્રોસિંગ ફાટકોનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. આ સિવાય સામાખિયાળી, વોંધ અને ભચાઉ સ્ટેશનોના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ મોટો સુધાર કર્યો છે.

બંદરો અને ઉદ્યોગો માટે શા માટે મહત્વનું છે?

સામાખિયાળી–ભચાઉ રેલખંડ એ કચ્છના સમૃદ્ધ ઔદ્યોગિક વિસ્તારો ઉપરાંત દેશના મહત્વના કંડલા અને મુન્દ્રા બંદરોને દેશના બાકીના રેલ નેટવર્ક સાથે જોડે છે. ભુજ, ગાંધીધામ અને વાયોરથી થતા માલસામાનના પરિવહન માટે આ રૂટ લાઈફલાઈન સમાન છે.

ચાર લાઈનો ઉપલબ્ધ થવાને કારણે ટ્રેનોના વિલંબમાં મોટો ઘટાડો થશે, માલગાડીઓનો ટર્નઅરાઉન્ડ સમય સુધરશે અને લોજિસ્ટિક્સ ખર્ચ ઓછો થશે. તેનાથી કન્ટેનર, પેટ્રોલિયમ ઉત્પાદનો, મીઠું, અનાજ અને ખાતરના પરિવહનને નવી ઝડપ મળશે. આ પ્રોજેક્ટ કચ્છના વેપાર, રોજગાર અને રોકાણના ક્ષેત્રે એક માઈલસ્ટોન સાબિત થશે.