UpdatedIST

Gandhidham: અડધી રાત્રે ટાગોર રોડ થયો રક્તરંજીત, બેફામ નબીરાએ ચાર લોકોને અડફેટે લીધા; બેના મોત, બે ઈજાગ્રસ્ત 

ગાંધીધામના રોટરી સર્કલ પાસે ટાગોર રોડ બેફામ કાર ચલાવી રહેલા નબીરાએ ચાર લોકો સહિત વાહનોને ટક્કર મારી હતી. 

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Sat 07 Feb 2026 10:34 AM (IST)Updated: Sat 07 Feb 2026 10:34 AM (IST)
gandhidham-driver-hit-vehicle-and-four-people-on-tagore-road-two-people-died-687444
HIGHLIGHTS
  • મોડી રાત્રે ગાંધીધામના રોટરી સર્કલ પાસે સર્જાયો અકસ્માત
  • બેફામ કાર ચાલકે ચાર લોકો સહિત વાહનોને ટક્કર મારી
  • બનાવમાં બે લોકોના મોત થયા, બે ગંભીર રીતે ઈજાગ્રસ્ત

Gandhidham Hit and Run: ગાંધીધામમાં ગત રાત્રે ‘તથ્યકાંડ’ની યાદ અપાવે તેવી એક હૃદયદ્રાવક ઘટના બની છે. શહેરના ટાગોર રોડ પર ગોઝારો અકસ્માત સર્જાયો છે. જેમાં પૂરપાટ ઝડપે આવી રહેલી કારના ચાલકે ચાર લોકોને અડફેટે લીધા હતા. જે બાદ કાર પણ ડિવાઈડર સાથે અથડાઈ હતી. આ બનાવમાં બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે.

ટાગોર રોડ પર બેફામ બન્યો નબીરાઓ

આ ભયાનક અકસ્માતની મળતી માહિતી મુજબ, ગાંધીધામના રોટરી સર્કલ પાસે આવેલ GJ-39 મેગી કોર્નર પાસે મોડી રાત્રે 1:25 વાગ્યાની આસપાસ આ ભયાનક અકસ્માત સર્જાયો હતો. ટાગોર રોડ પર નબીરાઓએ કાયદાનો ડર રાખ્યા વગર ગાડી હંકારી હતી. આ કારમાં ચાર લોકો સવાર હતા. પૂર ઝડપે જઈ રહેલી GJ-39-CB-9743 નંબરની કારના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો.

ચાર લોકો સહિત વાહનોને મારી જોરદાર ટક્કર

બેકાબૂ બનેલી કારના ચાલકે માર્ગ પરથી પસાર થઈ રહેલા અનેક વાહનોને અડફેટે લીધા હતા. રોડ પર જઈ રહેલા એક્ટિવા ચાલક અને બાઈક ચાલક સહિત કેટલાક વાહનોને ટક્કર મારી હતી. કુલ ચાર વ્યક્તિઓને જીવલેણ ટક્કર માર્યા બાદ કાર રોડના ડિવાઈડર સાથે ટકરાઈને અટકી ગઈ હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે વાહનોના ફુરચા ઉડી ગયા અને વાહન પર સવાર લોકો રોડ પર ફંગોળાયા હતા.

બે લોકોના ઘટનાસ્થળે મોત, બે ઈજાગ્રસ્ત

આ બનાવમાં કારે રસ્તા પરથી પસાર થઈ રહેલા ચાર લોકોને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભીષણ હતો કે ઘટના સ્થળે જ બે લોકોએ દમ તોડ્યો હતો. અન્ય બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. હાલ આ ગંભીર અકસ્માતના ચકચારી દ્રશ્યો સામે આવી રહ્યા છે.

ત્રણ નબીરા ફરાર થયા, એક ઝડપાયો

અકસ્માત સર્જાયા બાદ કારમાં સવાર ત્રણ નબીરાઓ ઘટના સ્થળેથી ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા. જોકે, ત્યાં હાજર લોકોએ હિંમત દાખવી એક નબીરાને ઝડપી પાડ્યો હતો. આક્રોશમાં આવેલા ટોળાએ તેને બરાબરનો પાઠ ભણાવ્યા બાદ પોલીસને હવાલે કર્યો હતો. ગાંધીધામ બી ડિવિઝન પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફરાર અન્ય શખ્સોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.