Kutch Accident News: કચ્છના સુરજબારી હાઇવે ઉપર આજે વહેલી સવારે પાંચ વાગ્યાના અરસામાં એક અત્યંત મોટી અને ભયાનક દુર્ઘટના સર્જાઈ છે. ગાંધીધામથી મોરબી તરફ જઈ રહેલું LPG ગેસ ભરેલું ટેન્કર પલટી જતાં તેમાં આગ ભભૂકી ઉઠી હતી, અને બાદમાં પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થયો હતો.
બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે ટેન્કરના સ્પેરપાર્ટ એકથી બે કિલોમીટર સુધી ઉડીને વિખેરાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં,હાઇવે હોટેલમાં પાર્ક થયેલા 6 અને ટેન્કર મળી કુલ 7 જેટલા વાહનો આગની લપેટમાં આવી ગયા હતા.ટેન્કરનો ચાલક હજી લાપતા છે, જેના મોતની આશંકા સેવાઈ રહી છે. આ દુર્ઘટનાના કારણે હાઇવે પર 10 થી 12 કિલોમીટર જેટલો લાંબો ટ્રાફિકજામ થઇ ગયો હતો.

આ ઘટનાની જાણ વહેલી સવારે 5 વાગ્યે 12 મિનિટે થતાં ભચાઉના ફાયરમેન પ્રવીણ દાફડા તેમની ટીમ સાથે સ્થળ પર દોડી આવ્યા હતા.મોરબીના ચીફ ફાયર ઓફિસર જે. એચ. ડાભીએ જણાવ્યું હતું કે, કુલ ચાર જગ્યાએથી ફાયર બ્રિગેડની ટીમો બોલાવવામાં આવી હતી. ટ્રાફિકજામના હિસાબે ટીમને પહોંચવામાં મોડું થયું હતું, જોકે ભારે જહેમત બાદ આગ સંપૂર્ણ કાબૂમાં આવી ગઈ છે અને ટ્રાફિક ધીમે ધીમે હળવો કરવામાં આવી રહ્યો છે.
