Gujarat Police Chief Kutch visit: ગુજરાત રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન રાવ આગામી 21 અને 22 ફેબ્રુઆરી, 2026 દરમિયાન કચ્છ જિલ્લાના સરહદી ગામોની વ્યૂહાત્મક મુલાકાતે જઈ રહ્યા છે. આ બે દિવસીય મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ અને કચ્છના વિશાળ દરિયાકાંઠાની સુરક્ષા વ્યવસ્થાને વધુ અભેદ્ય બનાવવાનો છે.
કચ્છ જિલ્લાના બે દિવસીય પ્રવાસ દરમિયાન ગુજરાત પોલીસ વડા ડૉ. કે.એલ.એન રાવની અધ્યક્ષતામાં ભુજ ખાતે એક મહત્વપૂર્ણ 'ક્રાઈમ કોન્ફરન્સ' યોજાશે. આ બેઠકમાં માત્ર પોલીસ વિભાગ જ નહીં, પરંતુ ભારતીય સેના, સીમા સુરક્ષા બળ (BSF), ભારતીય કોસ્ટ ગાર્ડ અને વાયુસેનાના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહેશે.
આ બેઠક દરમિયાન ગુજરાત રાજ્યની સરહદે થતી ઘૂસણખોરી, ડ્રગ્સની હેરાફેરી અને દરિયાઈ માર્ગે થતી દેશવિરોધી પ્રવૃત્તિઓને રોકવા માટે તમામ એજન્સીઓ વચ્ચે મજબૂત સંકલન પર ભાર મૂકવામાં આવશે.
આ પણ વાંચો: કચ્છ પોલીસે રૂ. 182 કરોડના દેશવ્યાપી સાયબર ફ્રોડનો ભંડાફોડ, મુખ્ય સુત્રધાર સહિત 4ની ધરપકડ
કચ્છ જિલ્લાના બે દિવસીય પ્રવાસ દરમિયાન ગુજરાત પોલીસ વડા ડૉ. કે.એલ.એન.રાવ ખાસ કરીને જખૌ અને પિંગલેશ્વર જેવા સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત લેશે. સાથે જ ત્યાં તૈનાત મરીન પોલીસ અને સુરક્ષા એજન્સીઓની સજ્જતા ચકાસશે.
આ ઉપરાંત, દુર્ગમ વિસ્તારમાં ફરજ બજાવતા પોલીસ જવાનોના મનોબળને વધારવા માટે ગુજરાત પોલીસ વડા ડૉ. કે.એલ.એન.રાવ તેમની સાથે સીધો સંવાદ કરશે. સાથે જ પોલીસ જવાનોના કલ્યાણ માટેની સુવિધાઓની સમીક્ષા કરશે.
