Jag Vikram ship Kandla: અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધ વિરામ બાદ ભારતીય દરિયાઈ વેપારમાં નવી ગતિ અને ઉર્જા સુરક્ષાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. કુલ 20,400 મેટ્રિક ટન લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (LPG) લઈને આવેલું ભારતનું મહત્વનું જહાજ ‘જગ વિક્રમ’ મંગળવારે કંડલા બંદરે સુરક્ષિત રીતે પહોંચી ગયું છે.
કંડલા બંદરે પહોંચ્યું ‘જગ વિક્રમ’ જહાજ
ભારતીય LPG જહાજ 'જગ વિક્રમ' ગત 14 એપ્રિલ, મંગળવારના રોજ કંડલા બંદરે પહોંચ્યું હતું. આ જહાજ 20,400 મેટ્રિક ટન LPG વહન કરી રહ્યું હતું. જગવિક્રમ જહાજે ગત 11 એપ્રિલે હોર્મુઝની સામુદ્રધુની પાર કરી હતી. હોર્મુઝની ખાડીમાં સર્જાયેલી ભારે અસ્થિરતા વચ્ચે આ જહાજનું સુરક્ષિત આગમન દેશ માટે એક મોટી સિદ્ધિ છે.

20,400 મેટ્રિક ટન LPG અનલોડિંગ પ્રક્રિયા
કંડલા પોર્ટ પ્રશાસન દ્વારા જગ વિક્રમ જહાજમાંથી LPG જથ્થો ઉતારવા માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવાઈ છે. ગત 14 એપ્રિલ, મંગળવારની રાત્રે જ આ જહાજને કંડલાની જેટી નં. 1 ખાતે લાંગરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. બુધવારે સવારથી જહાજમાંથી પાઇપલાઇન મારફતે LPG જથ્થો અનલોડ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
#WATCH | Gujarat: Indian flagged LPG vessel 'Jag Vikram', which crossed the Strait of Hormuz on April 11, reached Kandla Port on April 14. The vessel was carrying 20,400 metric tonnes of LPG. pic.twitter.com/7q2a7bcBHl
— ANI (@ANI) April 15, 2026
ગુજરાતમાં જહાજોનું સુરક્ષિત આગમન
હોર્મુઝની ખાડીમાં તણાવ હોવા છતાં, છેલ્લા એક મહિનામાં ગુજરાતના વિવિધ બંદરો પર મહત્વના જહાજો સફળતાપૂર્વક લાંગર્યા છે. અગાઉ 26 માર્ચે 47,600 મેટ્રિક ટન LPG સાથે ‘MT જગ વસંત’ કંડલા પહોંચ્યું હતું. જ્યારે 16 માર્ચે કતારથી રવાના થયેલું ‘MT શિવાલિક’ 46,000 મેટ્રિક ટન LPG લઈને મુન્દ્રા પહોંચ્યું હતું. આ ઉપરાંત, વાડીનાર ખાતે 17 માર્ચે ‘MT નંદા દેવી’ 46,500 મેટ્રિક ટન LPG અને ‘MT જગ લાડકી’ 80,000 મેટ્રિક ટન ક્રૂડ ઓઇલ લઈને પહોંચ્યા હતા.
આ પણ વાંચો: Kutch: ધોરડોમાં બનશે ગ્રીનફિલ્ડ એરપોર્ટ, કચ્છના પ્રવાસનને મળશે નવી ઉડાન; નાઈટ લેન્ડિંગની સુવિધા
સરકાર ખલાસીઓની સુરક્ષા માટે કટિબદ્ધ
બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના અધિક સચિવ મુકેશ મંગલે માહિતી આપતા જણાવ્યું હતું કે, "અત્યારે પણ 15 જેટલા ભારતીય ધ્વજ ધરાવતા અને ભારતીય માલિકીના જહાજો હોર્મુઝની ખાડીમાં છે". સરકાર વિદેશ મંત્રાલય સાથે સતત સંકલનમાં છે અને આ તમામ જહાજો તેમજ ખલાસીઓને સુરક્ષિત પરત લાવવા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે.
