Kutch Demolition: કંડલા પોર્ટ નજીક 250 કરોડની જમીન પરના 100 એકરના દબાણો પર બુલડોઝર ફેરવાયું

આ મેગા ડિમોલિશન ઓપરેશનમાં તંત્રના 40 જેટલા અધિકારીઓ અને 500 જેટલા પોલીસ કર્મચારીઓ જોડાયા છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Mon 08 Dec 2025 10:04 AM (IST)Updated: Mon 08 Dec 2025 10:05 AM (IST)
kutch-demolition-meetha-port-mega-drive-underway-in-kandla-651499

Kutch Demolition: કચ્છ જિલ્લામાં દરિયાઈ અને રાષ્ટ્રીય સુરક્ષાના અતિ મહત્ત્વપૂર્ણ મુદ્દાને ધ્યાનમાં લઈને વહીવટી તંત્ર દ્વારા આજે એક મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. કંડલા અને મીઠા પોર્ટની આસપાસની સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે ઊભા કરાયેલા દબાણોને દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

100 એકર પર બુલડોઝર ફરી વળ્યું

મળતી માહિતી મુજબ, કંડલા અને મીઠા પોર્ટ આસપાસની 100 એકર જેટલી વિશાળ જમીન પર ખડકાયેલા દબાણો પર વહેલી સવારથી જ બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. જે જમીન પર દબાણો થયા છે, તેની બજાર કિંમત આશરે ₹250 કરોડ જેટલી આંકવામાં આવી રહી છે.

મેગા ડિમોલિશન માટે ચુસ્ત બંદોબસ્ત

આ દબાણો હટાવવાની કામગીરી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શરૂ કરવામાં આવી છે. પૂર્વ કચ્છ પોલીસ વડા સહિત મોટી સંખ્યામાં પોલીસ દળને તૈનાત કરવામાં આવ્યું છે. આ મેગા ડિમોલિશન ઓપરેશનમાં તંત્રના 40 જેટલા અધિકારીઓ અને 500 જેટલા પોલીસ કર્મચારીઓ જોડાયા છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.

બાંધકામો હટાવાયા

કાર્યવાહીને ઝડપી બનાવવા માટે તંત્ર દ્વારા મોટા પાયે મશીનરીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેમાં 20 જેસીબી, 20 હિટાચી, 40 લોડર, 40 ડમ્પર અને ટ્રેક્ટરની મદદથી ગેરકાયદેસર બાંધકામો અને દબાણોને હટાવવામાં આવી રહ્યા છે.

સુરક્ષાની દૃષ્ટિએ સંવેદનશીલ ગણાતા કંડલા અને મીઠા પોર્ટની આસપાસ થયેલા આ ગેરકાયદે દબાણો રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમી ગણાતા હતા. તંત્રની આ કાર્યવાહી દર્શાવે છે કે દરિયાઈ સીમા પર સુરક્ષા વ્યવસ્થા જાળવવી એ સરકારની મુખ્ય પ્રાથમિકતા છે. દબાણો હટાવવાની આ કામગીરી દ્વારા કરોડો રૂપિયાની જમીન સરકારી કબજા હેઠળ પરત મેળવવામાં આવી છે.