Kutch: કચ્છ જિલ્લાના ગાંધીધામના ખન્ના માર્કેટની એક હોટલમાંથી ગઈકાલે મળી આવેલી મહિલાની હત્યાના ગુનાનો ભેદ ઉકેલી નાંખવામાં આવ્યો છે. આ મામલે પોલીસે મૃતક મહિલાના પ્રેમીની ધરપકડ કરી છે. જેણે પ્રેમિકાના અન્ય પુરુષો સાથે આડાસબંધની શંકા રાખીને ગળે ટૂંપો આપીને મોતને ઘાટ ઉતારી દીધી હતી.
પોલીસની હાજરીમાં હોટલનો રૂમ ખોલતા યુવતીની લાશ મળી
હકીકતમાં ગઈકાલે ગાંધીધામના જાણીતા ખન્ના માર્કેટની એક હોટલમાં એક યુગલ રૂમ રાખીને રોકાયું હતુ. જે બાદ સાંજના સમયે યુવક એકલો હોટલમાંથી જતો રહ્યો હતો, જ્યારે યુવતી રૂમમાં જ હતી.
લાંબા સમય સુધી યુવતી બહાર ના આવતા હોટલના સ્ટાફને શંકા ગઈ હતી. આથી તેમણે રૂમનો દરવાજો ખખડાવી જોયો, પરંતુ અંદરથી કોઈ પ્રતિસાદ ના મળતા આખરે 112 ડાયલ કરીને પોલીસને જાણ કરવામાં આવી હતી.
આથી તાત્કાલિક હોટલમાં દોડી આવેલ પોલીસ સ્ટાફની હાજરીમાં હોટલનો દરવાજો ખોલીને જોતા અંદરથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો.આથી પોલીસ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલીને તપાસ હાથ ધરી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગળું દબાવીને યુવતીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી હોવાનું સાબિત થયું હતુ. આથી પોલીસે યુવતીની સાથે રોકાયેલા યુવકની શોધખોળ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યાં હતા.
મૃતકના બે વખત લગ્ન થઈ ચૂક્યા હતા
પોલીસે તપાસ હાથમાં લીધાના ગણતરીના કલાકોમાં મૃતક યુવતી સાથે રોકાયેલા યુવકને દબોચી લીધો હતો. જેની પૂછપરછમાં આરોપીની ઓળખ દિલીપ રાઠોડ અને મૃતકની ઓળખ ભાવના તરીકે થઈ હતી. ભાવનાના અગાઉ બે વખત લગ્ન થઈ ચૂક્યા હતા. જે પૈકી પ્રથમ પતિનું અવસાન થયું હતુ, જ્યારે બીજા પતિ સાથે છૂટાછેડા બાદ ભાવના એકાકી જીવન જીવતી હતી.
બીજી તરફ હત્યારો દિલીપ રાઠોડ પણ પત્નીથી અલગ થઈને એકલો રહેતો હતો. આ દરમિયાન દિલીપ અને ભાવના વચ્ચે પ્રેમપાંગર્યો હતો. દિલીપને શંકા હતી કે, પ્રેમિકા ભાવના અન્ય પુરુષો સાથે પણ સુવાળા સબંધો ધરાવે છે. આ બાબતને લઈને બન્ને વચ્ચે હોટલના રૂમમાં માથાકૂટ થઈ હતી.
આ સમયે ઉશ્કેરાયેલા દિલીપે ભાવનાનું ગળું દબાવીને તેની હત્યા કરી નાંખી હતી. જે બાદ કંઈ જ બન્યું ના હોય તેમ હોટલમાંથી નીકળી ગયો હતો. હાલ તો ગાંધીધામ એ-ડિવિઝન પોલીસે હત્યાનો ગુનો નોંધીને મૃતકના પ્રેમી દિલીપની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
