UpdatedIST

કચ્છ પોલીસે રૂ. 182 કરોડના દેશવ્યાપી સાયબર ફ્રોડનો ભંડાફોડ, મુખ્ય સુત્રધાર સહિત 4ની ધરપકડ

આ ઠગ ટોળકી જરૂરિયાત મંદને લાલચ આપીને તેમના દસ્તાવેજો મેળવી બેંકમાં મ્યૂલ એકાઉન્ટ ખોલાવતી હતી. જે બાદ સાયબર ફ્રોડના નાણાં સગેવગે કરવા માટે આ ખાતાનો ઉપયોગ કરતી

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Tue 17 Feb 2026 06:55 PM (IST)Updated: Tue 17 Feb 2026 06:55 PM (IST)
kutch-police-bust-rs-182-crore-nationwide-cyber-fraud-mastermind-among-4-arrested-693861
HIGHLIGHTS
  • સાયબર ક્રાઈમની ટીમને 81 શંકાસ્પદ બેંક એકાઉન્ટની વિગતો મળી

Gandhidham: ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં વધી રહેલા સાયબર ક્રાઇમના બનાવો વચ્ચે પૂર્વ કચ્છ સાયબર ક્રાઇમ પોલીસે એક મોટી સફળતા હાંસલ કરી છે. પોલીસે આશરે 182,37,68,862 ના મસમોટા સાયબર ફ્રોડનો પર્દાફાશ કરી આંતરરાજ્ય ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત 4 શખ્સોની ધરપકડ કરી છે.

પૂર્વ કચ્છ એસપીની સૂચના હેઠળ સાયબર ક્રાઇમ ટીમે તપાસનો ધમધમોટ તેજ કર્યો હતો. આ કાર્યવાહી દરમિયાન ફ્રોડ આચરતી ગેંગના માસ્ટરમાઇન્ડ યશ ભાટિયા સહિત કુલ 4 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આ ગેંગ અત્યંત વ્યવસ્થિત રીતે દેશભરમાં પોતાનું નેટવર્ક ચલાવતી હતી.

આ ટોળકી મુખ્યત્વે 'મ્યુલ એકાઉન્ટ' દ્વારા સાયબર ફ્રોડના નાણાં સગેવગે કરતી હતી. આ ઠગો સામાન્ય અને નાના માણસોને લાલચ આપી ભોળવતા હતા. તેમના દસ્તાવેજો મેળવી બેંકમાં ખાતા ખોલાવી, તેનો ઉપયોગ ફ્રોડની રકમ ટ્રાન્સફર કરવા માટે કરતા હતા. પોલીસ તપાસમાં અત્યાર સુધી આવા 81 જેટલા શંકાસ્પદ બેંક અકાઉન્ટ્સની માહિતી મળી આવી છે.

પોલીસની તપાસ દરમિયાન 'સમન્વય' પોર્ટલ પરથી ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ ગેંગ વિરુદ્ધ માત્ર ગુજરાતમાં જ નહીં, પરંતુ દેશભરના વિવિધ રાજ્યોમાં કુલ 74 જેટલી ફરિયાદો નોંધાઈ ચૂકી છે. 182 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન જોઈને ખુદ પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ છે."સાયબર ઠગો સામે પૂર્વ કચ્છ પોલીસની આ અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી માનવામાં આવી રહી છે. હાલ પોલીસ આ 81 ખાતાઓના નાણાકીય વ્યવહારની ઝીણવટભરી તપાસ કરી રહી છે."