પાકિસ્તાની માલની ગેરકાયદેસર દાણચોરીનું ઇન્ટરનેશનલ કૌભાંડ ઝડપાયું: કંડલાથી રુ. 3 કરોડની ખજૂર અને તુતીકોરિનથી રુ.1.4 કરોડનું ગુગ્ગુલ ગુંદર કબ્જે

ડીઆરઆઈએ કંડલા અને તુતીકોરિન બંદર પરથી પાકિસ્તાની મૂળના 3 કરોડના ખજૂર અને 1.4 કરોડના ગુગ્ગુલ ગુંદરનો જથ્થો જપ્ત કર્યો.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Thu, 06 Aug 2026 08:24 AM (IST)Updated: Thu, 06 Aug 2026 08:24 AM (IST)
pakistani-goods-smuggling-racket-busted-dri-seizes-dates-guggul-kandla-tuticorin

Pakistani Goods Smuggling: ભારત સરકાર દ્વારા પાકિસ્તાનથી થતી આયાત પર લાદવામાં આવતા કડક પ્રતિબંધોને ટાળવા માટે રચાયેલા એક મોટા આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજેન્સ (DRI) દ્વારા કરવામાં આવેલી એક વિશેષ કાર્યવાહીમાં કંડલા અને તુતીકોરિન બંદરથી કરોડો રુપિયાનો પાકિસ્તાની માલ કબજે કરવામાં આવ્યો છે. આ કૌભાંડમાં આયાતકારો ત્રીજા દેશો અને બોગસ દસ્તાવેજોનો ઉપયોગ કરીને ગેરકાયદેસર દાણચોરી કરી ભારતમાં માલ ઘૂસેડવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

કંડલા બંદરથી 3 કરોડની પાકિસ્તાની ખજૂર જપ્ત

DRIની ટીમે કંડલા બંદર પર શંકાસ્પદ હિલચાલના આધારે 13 કન્ટેનરો અટકાવ્યા હતા. આ કન્ટેનરોની તપાસ દરમિયાન 364 મેટ્રિક ટન સૂકી ખજૂર મળી આવી હતી. જેમાં આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 3 કરોડ આંકવામાં આવી હતી. દસ્તાવેજોમાં આ માલ સંયુક્ત આરબ અમીરાતનો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો, જોકે, ઊંડાણપૂર્વકની તપાસમાં સામે આવ્યું કે, આ માલ મૂળ પાકિસ્તાનનો હતો. તેને પહેલા પાકિસ્તાનથી દુબઈ લાવવામાં આવ્યો હતો અને ત્યાં કન્ટેનર બદલીને ભારત રવાના કરવામાં આવ્યો હતો.

તુતીકોરિન બંદરેથી 1.4 કરોડનો ગુગ્ગુલ ગુંદર ઝડપ્યો

DRIની તપાસમાં સામે આવ્યું કે, આ માલ સૌપ્રથમ પાકિસ્તાનથી દુબઈથી લવાયો હતો. ત્યારબાદ ભારત નિકાસ કરતાં પહેલા કન્ટેનરના બીજા સેટમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો. ડીઆરઆઈના અધિકારીઓએ એક બીજી મોટી કાર્યવાહીમાં તુતીકોરિન બંદરથી 4 મેટ્રિક ટન ગુગ્ગુલ ગુંદરનો જથ્થો કબ્જે કર્યો હતો. જ્યારે આ કન્સાઈન્મેન્ટ સોમાલિયાથી આયાત થતું હોવાની ખોટી માહિતી આપીને દુબઈ રુટથી ભારતમાં લાવવામાં આવી રહ્યું હતું. વાસ્તવમાં આ ગુંદર પણ પાકિસ્તાની મૂળનો હતો.

દુર્લભ સામગ્રીનું ગેરકાયદેસર શિપમેન્ટ

ગુગ્ગુલ રેઝિન (કોમિફેરા રેઝિન) ભારત અને પાકિસ્તાનના સૂકા પ્રદેશોમાં જોવા મળતી એક વિશેષ પ્રજાતિ છે. તે CITES (પરિશિષ્ટ:II)માં સૂચિબદ્ધ છે. તેમજ IUCN રેડ લિસ્ટમાં અતિ ગંભીર રીતે લુપ્તપ્રાય તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે. ઝડપાયેલો જથ્થો ગુગ્ગુલ રેઝિનનો હતો. તે મૂળે પાકિસ્તાનનો હતો અને ફેક ડોક્યુમેન્ટ્સના આધરારે તેનું ટ્રાન્સ શિપમેન્ટ કરવામાં આવ્યું હતું. આ કાવતરામાં બે લોકોની ધપકડ કરવામાં આવી છે.

ફોરેન ટ્રેડ પોલિસી પ્રમાણે કાર્યવાહી

DGFTના નવા નોટિફિકેશન પ્રમાણે ફોરેન ટ્રેડ પોલિસી 2023 મુજબ, પાકિસ્તાનમાં ઉત્પન્ન થતાં અને નિકાસ કરાતા તમામ માલ સામાન પર સીધા કે પ્રત્યક્ષ આયાત પર પ્રતિબંધ મૂકાયો છે. આ બંને ઘટનાઓમાં આયાત પર આ પ્રતિબંધનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. DRI ની આ કાર્યવાહીથી સ્પષ્ટ થાય છે કે સરહદ પારથી થતી આર્થિક ગેરરીતિઓ અને ટેક્સ ચોરી સામે ભારતીય તપાસ એજન્સીઓ અત્યંત સજાગ છે. ત્રીજા દેશોના રૂટનો ઉપયોગ કરીને કરાતી દાણચોરી સામે આગામી દિવસોમાં વધુ કડક પગલાં લેવામાં આવશે.