Samakhiali-Bhachau Rail Line: પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ હેઠળ આવતા સામખિયાળી -ગાંધીધામ ચૌહરીકરણ (Quadrupling) પ્રોજેક્ટ અંતર્ગત એક મોટી સિદ્ધિ હાસલ થઈ છે. સામખિયાળી –ભચાઉ રેલખંડ પર નવનિર્મિત ત્રીજી અને ચોથી રેલવે લાઇનનું રેલ સંરક્ષા આયુક્ત (CRS - પશ્ચિમ સર્કલ) ઈ. શ્રીનિવાસ દ્વારા વિગતવાર સુરક્ષા નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું.
આ નિરીક્ષણ દરમિયાન ઇલેક્ટ્રિક એન્જિન અને ઓબ્ઝર્વેશન કાર સાથે 130 કિમી પ્રતિ કલાકની ઝડપે સફળ સ્પીડ ટ્રાયલ પૂર્ણ કરવામાં આવ્યો હતો. અંતિમ સુરક્ષા મંજૂરી મળ્યા બાદ આ નવા ટ્રેક પર મુસાફર અને માલગાડીઓનું સંચાલન વિધિવત રીતે શરૂ કરી દેવાશે.
સઘન તકનીકી નિરીક્ષણ અને સ્ટેશનની તપાસ
બે દિવસીય સંરક્ષા નિરીક્ષણ દરમિયાન સીઆરએસ ટીમ અને અમદાવાદના મંડળ રેલ પ્રબંધક (DRM) વેદ પ્રકાશ તથા મુખ્ય વહીવટી અધિકારી પ્રદીપ ગુપ્તા સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મોટર ટ્રોલીથી તપાસ: સામખિયાળી થી ભચાઉ સુધી મોટર ટ્રોલી દ્વારા ટ્રેકની ગુણવત્તા, રેલ વેલ્ડિંગ, વળાંક, ઓવરહેડ ઇલેક્ટ્રિક વાયરો (OHE), બ્રિજ અને સિગ્નલિંગ પ્રણાલીની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી.
વોંધ સ્ટેશન અને યાર્ડ નિરીક્ષણ: નવનિર્મિત વોંધ રેલવે સ્ટેશન અને યાર્ડની ક્ષમતા તેમજ સિગ્નલિંગ સિસ્ટમનું અવલોકન કરાયું હતું. અહીં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ (ગાંધીધામ)ના પ્રતિનિધિમંડળે રેલવે અધિકારીઓનું સ્વાગત કરી કચ્છ વિસ્તારમાં વેપાર-ઉદ્યોગને મળનારા લાભો બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
નિરીક્ષણ દરમિયાન DRM વેદ પ્રકાશે લેવલ ક્રોસિંગ ખાતે સ્થાનિક નાગરિકો સાથે સંવાદ સાધીને ફાટક બંધ રહેવાના કારણે પડતી અસુવિધાઓ અંગે માહિતી મેળવી હતી અને અધિકારીઓને તેનો ઝડપી વ્યવહારુ ઉકેલ લાવવા સૂચના આપી હતી.
કચ્છના ઉદ્યોગો અને બંદરો માટે ગેમ ચેન્જર સાબિત થશે પ્રોજેક્ટ
બંદર આધારિત માલ પરિવહનને વેગ: કંડલા અને મુન્દ્રા બંદરો પરથી દેશના અન્ય ભાગોમાં જતા કન્ટેનર, પેટ્રોલિયમ, અનાજ, મીઠું અને ખાતર જેવા માલસામાનનું પરિવહન હવે વધુ ઝડપી બનશે.
લાઇન ક્ષમતામાં વધારો: અમદાવાદ મંડળમાં સૌથી વધુ ગ્રોસ મિલિયમ ટન (GMT) ટ્રાફિક ધરાવતા આ રેલખંડ પર ચાર લાઈન ઉપલબ્ધ થવાથી મુસાફર ટ્રેનો અને માલગાડીઓનું સંચાલન વધુ સમયબદ્ધ થશે.
લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો: માલગાડીઓનો ટર્નઅરાઉન્ડ ટાઈમ ઘટવાથી વેપારીઓ અને ઉદ્યોગોના લોજિસ્ટિક્સ ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળશે, જેનાથી કચ્છના સમગ્ર ઔદ્યોગિક અને પ્રવાસન ક્ષેત્રને મોટો લાભ થશે.
