Botad News: બોટાદ શહેરમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. સોશિયલ મીડિયા પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવા જેવી એક સામાન્ય બાબતમાં રાત્રિના સમયે ભયાનક લોહીયાળ ખેલ ખેલાયો છે. મિત્રની મેટર પતાવવા અને સમાધાન કરાવવા વચ્ચે પડેલા ત્રણ મિત્રો પર પાંચ શખ્સોએ છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં એક 18 વર્ષના યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યુ છે, જ્યારે અન્ય બે યુવકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
રિક્વેસ્ટ મોકલવા મામલે બબાલ
મળતી માહિતી મુજબ, બોટાદના પાળીયાદ રોડ પર રહેતા 18 વર્ષીય સત્યરાજ વલકુભાઈ બોરીચા અને તેમના મિત્ર સિદ્ધરાજભાઈ મહેશભાઈ માલાને ખસ ગામના શક્તિસિંહ દાયમા નામના યુવક સાથે મોબાઈલમાં ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલવા મામલે બબાલ થઈ હતી.
આ નજીવા વિવાદનો અંત લાવવા અને સમાધાન કરવા માટે સત્યરાજ, હરપાલ અને અક્ષય પોતાની મોટરસાઈકલ લઈને બોટાદના ખસ રોડ પર આવેલા સરદાર એગ્રો પાસે પહોંચ્યા હતા. દરમિયાન ત્યાં મુખ્ય આરોપી શક્તિસિંહ દાયમા અને તેની પાછળ બાઈક પર બેઠેલો એક અજાણ્યો ઇસમ આવી પહોંચ્યો હતો.
સમાધાનની ચર્ચા દરમિયાન અચાનક છરીબાજી
જ્યારે સમાધાનની ચર્ચા ચાલી રહી હતી,ત્યારે અચાનક જ વાત વણસી ગઈ હતી. વાતચીત દરમિયાન આરોપી શક્તિસિંહ સાથે આવેલા અજાણ્યા ઇસમે તિક્ષ્ણ છરી કાઢીને હરપાલભાઈના છરીના ભાગે હુલાવી દીધી હતી.
આ હુમલો જોઈને વચ્ચે બચાવવા પડેલા અક્ષયભાઈ અને સત્યરાજભાઈ પર પણ આરોપીઓએ આડેધડ છરીના ઘા ઝીંકી દીધા હતા. આટલું ઓછું હોય તેમ, આ જ સમયે બીજી બાઇક પર અન્ય ત્રણ અજાણ્યા શખ્સો ત્યાં ઘસી આવ્યા હતા અને લોહીલુહાણ હાલતમાં પડેલા ત્રણેય યુવકોને પકડી રાખી ઢીકાપાટુનો નિર્મમ માર માર્યો હતો, હુમલો કર્યા બાદ પાંચેય આરોપીઓ અંધારાનો લાભ લઈને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.
એક યુવકનું મોત, એક ગંભીર
ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તપાસ કરીને હરપાલભાઈને મૃત જાહેર કર્યા હતા. જ્યારે અન્ય ઇજાગ્રસ્ત યુવક અક્ષયભાઈની હાલત વધુ ગંભીર હોવાના કારણે તેમને વધુ સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા છે.
આ ચકચારી હત્યા કેસમાં બોટાદ ટાઉન પોલીસે ગુનો નોોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે મુખ્ય આરોપી શક્તિસિંહ દાયમા સહિત પાંચેય અજાણ્યા શખ્સો સામે બીએનએસની કલમો 103 (1), 109 (1) હત્યાનો પ્રયાસ, જીપી એક્ટ કલમ 135 (હથિયારબંધી) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
