Salangpur Dham Rangotsav 2026: શ્રી સ્વામિનારાયણ મંદિર, વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે આજે 3 માર્ચ, મંગળવારના રોજ હોળી-ધુળેટી પર્વ નિમિત્તે પૂર્ણિમાના દિવસે ગુજરાતના સૌથી મોટા 'દિવ્ય રંગોત્સવ' ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ મહામહોત્સવમાં દેશ-વિદેશથી આવેલા 1.50 લાખથી વધુ ભક્તો દાદાની ભક્તિના રંગે રંગાયા હતા.
દાદાના દરબારમાં સૌથી મોટો 'દિવ્ય રંગોત્સવ'
આજે 3 માર્ચ, મંગળવારના રોજ સાળંગપુર શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે હોળી-ધુળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ ગુજરાતનો સૌથી મોટો દિવ્ય રંગોત્સવ હતો. આ રંગોત્સવમાં દેશ-વિદેશથી 1.50 લાખથી વધુ ભક્તો સહભાગી થયા, અને દાદાના દરબારમાં ભક્તી અને હોળીના રંગે રંગાયા હતા.
છોટા ઉદેપુરથી મંગાવ્યો 51,000 કિલો ઓર્ગેનિક કલર
ભક્તોને રંગોથી કોઈપણ પ્રકારનું ઇન્ફેક્શન ન થાય તે માટે મંદિર પ્રશાસન દ્વારા ખાસ કાળજી લેવામાં આવી હતી. આ માટે સ્પેશિયલ ઓર્ડર આપીને છોટા ઉદેપુરથી 51,000 કિલો ઓર્ગેનિક કલર તૈયાર કરાવવામાં આવ્યો હતો. આ કલરમાં મુખ્યત્વે ગુલાબી, લાલ, પીળો અને નારંગી એમ સાત પ્રકારના રંગોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
સાળંગપુરધામના દિવ્ય રંગોત્સવના મુખ્ય આકર્ષણો
- પંચરંગી વાઘા અને ફૂલોનો દિવ્ય શણગાર: હોળીના દિવસે દાદાને પંચરંગી વાઘા અને રંગબેરંગી ફૂલોનો દિવ્ય શણગાર કર્યો, તેમજ મુખ્ય મંદિર પરિસરને કલરફુલ કાપડથી સજાવવામાં આવ્યું હતું.
- 80 ફૂટ ઊંચા કલર બ્લાસ્ટ: મંદિર પરિસરમાં રંગોત્સવ દરમિયાન 70થી 80 ફૂટ ઊંચા કલરના 500 બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા.
- ભક્તો પર પુષ્પવર્ષા: આ ઉત્સવમાં હજારી અને ગુલાબ જેવા 1000 કિલો મિક્સ ફૂલો વડે ભક્તો પર પુષ્પવર્ષા કરાઈ હતી. સાથે જ એર પ્રેશર મશીનથી ભક્તો પર કલર ઉડાડ્યો.
- રિબિન બ્લાસ્ટ અને ફાયરવર્ક્સ: કાર્યક્રમમાં 100 રિબિન બ્લાસ્ટ અને રંગીન ફાયરવર્ક્સ (ફટાકડા) ફોડીને માહોલને વધુ ઉત્સવમય બનાવાયો હતો.
- નાસિક ઢોલની રમઝટ: હોળીને વધુ મનોરંજક બનાવવા ઢોલીઓએ નાસિક ઢોલના તાલે ધૂમ મચાવી હતી, જ્યાં ભક્તોએ હોળી રમ્યા બાદ રાસની રમઝટ બોલાવી હતી.
- દાદાના દરબારમાં પિચકારી: હનુમાનજી દાદા સમક્ષ વિવિધ રંગો અને પિચકારીઓ પણ મૂકવામાં આવી હતી.
મંગળા આરતીથી ભક્તિમય માહોલની શરૂઆત
હોળીના પવિત્ર દિવસે સવારે 5:30 કલાકે મંગળા આરતી અને 7:00 કલાકે શણગાર આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ હનુમાનજીની આરતી અને હનુમાન ચાલીસાના પાઠ સાથે રંગોત્સવનો પ્રારંભ થયો હતો. સવારે 07:30 થી 11:00 કલાક દરમિયાન મંદિર પરિસરમાં શુકદેવ સ્વામી સહિતના અનેક સંતો અને ભક્તો એકસાથે દાદાના રંગે રંગાયા હતા.
દેશ-વિદેશથી ઉમટી પડ્યા ભક્તો
ગુજરાતના આ સૌથી મોટા હોળી મહોત્સવમાં ભાગ લેવા માટે માત્ર ગુજરાત જ નહીં, પરંતુ રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને વિદેશથી પણ આબાલવૃદ્ધ સૌ કોઈ સાળંગપુર ધામ પહોંચ્યા હતા. યુવાનો, યુવતીઓ, નાના બાળકોથી લઈને વડીલોએ સંતોના સાંનિધ્યમાં આ દિવ્ય રંગોત્સવની મજા માણી હતી. આમ ભક્તિ, શ્રદ્ધા અને રંગોના આ અદભુત સંગમે સાળંગપુર ધામમાં 2026 ની હોળીને ભક્તો માટે એક અવિસ્મરણીય લહાવો બનાવી દીધી છે.
