Salangpur Kashtbhanjandev Jagannath Decoration:સાળંગપુર સ્થિત વિશ્વ પ્રસિદ્ધ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે અષાઢી બીજ અને જગન્નાથજીની રથયાત્રાના પાવન અવસરે દાદાને અલૌકિક શણગાર કરવામાં આવ્યો છે. શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીના અલૌકિક સ્વરૂપના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી.
શ્રી કષ્ટભંજનદેવને જગન્નાથ થીમનો શણગાર
આજે 16 જુલાઈ, ગુરુવારના રોજ સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી શ્રી કષ્ટભંજનદેવને ભગવાન જગન્નાથજીની રથયાત્રાની થીમ પર આધારિત અદ્ભુત અને દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પૂજારી સ્વામી દ્વારા શણગાર આરતી ઉતારવામાં આવી હતી.

દાદાના હૃદયમાં બિરાજમાન ભગવાન જગન્નાથ
ભગવાન જગન્નાથની રથયાત્રાના આ વિશેષ પર્વ નિમિતે હનુમાન દાદાના સિંહાસનની આસપાસ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજીના પરંપરાગત રંગબેરંગી દિવ્ય રથ તૈયાર કરવામાં આવ્યા હતા.

શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાના હૃદયકમળમાં ભગવાન જગન્નાથ, સુભદ્રાજી અને બળદેવજી બિરાજમાન હોય તેવા અલૌકિક વાઘા અને આભૂષણો દાદાને ધારણ કરાવવામાં આવ્યા હતા, જે ભક્તોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
મગ-ચણાનો પ્રસાદ, પુરીની રથયાત્રાની ઝાંખી
દાદાના ચરણોમાં રથયાત્રાના વિશેષ પ્રસાદ રૂપે વિવિધ પ્રકારના કઠોળ જેવા કે મગ અને ચણા અર્પણ કરાયા હતા. આ સાથે સમગ્ર સિંહાસનને રંગબેરંગી ઓર્કિડ્સ ફૂલોથી ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવ્યું હતું. વિશેષ વાત એ છે કે, મંદિરના ગર્ભગૃહમાં ઓરિસ્સાની પ્રખ્યાત પુરીની રથયાત્રા અને તેમાં ઊમટતી ભક્તોની ભીડની આબેહૂબ ઝાંખી ઊભી કરવામાં આવી હતી.

અષાઢી બીજના આ પવિત્ર દિવસે એક તરફ અમદાવાદમાં વિશ્વ પ્રસિદ્ધ જગન્નાથજીની રથયાત્રા નીકળી રહી છે. નગરચર્યાએ નીકળેલા ભગવાનના દર્શન કરી સેંકડો ભક્તો ખાસ દર્શનનો લાભ લઈ રહ્યા છે. ત્યારે બીજી તરફ હજારો ભક્તોએ સાળંગપુર પહોંચીને કષ્ટભંજન દાદાના આ અદ્ભુત રથયાત્રા દર્શનનો લાભ લીધો અને ધન્યતા અનુભવી હતી.
