Chhota Udepur Rain: નસવાડી પંથકમાં આકાશી આફત: કંડવા બ્રિજનો એપ્રોચ રોડ ધોવાતાં નસવાડી-કવાંટ સ્ટેટ હાઇવે બંધ, 13 ગામો હાઇએલર્ટ પર

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 01 Aug 2026 03:40 PM (IST)Updated: Sat, 01 Aug 2026 03:40 PM (IST)
chhota-udepur-heavy-rain-naswadi-kavant-state-highway-closed-as-kandwa-bridge-approach-road-washed-away

Chhota Udepur Heavy Rain: છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસી રહેલા અતિભારે વરસાદને કારણે સમગ્ર જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદ અને સ્થાનિક સ્તરે જળબંબાકારની સ્થિતિને પગલે વિસ્તારની નદી-નાળાં બે કાંઠે વહી રહ્યાં છે.

કંડવા બ્રિજનો એપ્રોચ રોડ ધોવાયો: વાહનવ્યવહાર ઠપ્પ

ભારે વરસાદના કારણે કંડવા બ્રિજનો એપ્રોચ રોડ ધોવાઈ જતાં મોટી હોનારત ટાળવા માટે તંત્ર દ્વારા ત્વરિત નિર્ણય લઈને નસવાડી-કવાંટ સ્ટેટ હાઇવેને આગામી 7 દિવસ માટે વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. આ મુખ્ય માર્ગ બંધ થવાના કારણે છોટા ઉદેપુર જિલ્લાનો મધ્ય પ્રદેશ સાથેનો સંપર્ક અને વાહનવ્યવહાર ભારે પ્રભાવિત થયો છે. રોડ વધુ તૂટી જવાની આશંકા હોવાથી તંત્ર દ્વારા તમામ પ્રકારના ભારે વાહનોની અવરજવર પર પણ પૂર્ણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે.

પરેશ ગોસ્વામીની આગાહીઃ બંગાળની ખાડીમાં સર્જાયેલો 'સ્ટ્રોંગ ડિપ્રેશન' ગુજરાતના આંગણે, 2 દિવસ સુરતથી અમરેલી સુધી મેઘતાંડવના એંધાણ

અશ્વિન નદી બે કાંઠે, ધનિયા ઉંમરવા તળાવ ઓવરફ્લો

નસવાડીની જીવાદોરી સમાન અશ્વિન નદી સતત બીજા દિવસે પણ બે કાંઠે વહી રહી છે. કૂકાવટી ગામે નિર્માણધીન નવા બ્રિજના પિલરના ટોપ લેવલ સુધી પૂરના પાણી પહોંચી જતાં અત્યંત ભયજનક પરિસ્થિતિ સર્જાઈ હતી. આ ઉપરાંત ધનિયા ઉંમરવા તળાવ પણ પૂરેપૂરું ભરાઈને છલકાઈ જતાં આસપાસના 13 જેટલા નીચાણવાળા ગામોને હાઇએલર્ટ કરી દેવામાં આવ્યા છે. તંત્ર દ્વારા નદી કિનારાના વિસ્તારોમાં વસવાટ કરતા લોકોને સલામત સ્થળે રહેવા અને નદી તરફ ન જવાની ખાસ સાવચેતી આપવામાં આવી છે.

 

 

2 ઓગસ્ટ સુધી 'રેડ એલર્ટ': તલાટીઓ મોનિટરિંગમાં જોડાયા

હવામાન વિભાગ દ્વારા નસવાડી અને આસપાસના વિસ્તારોમાં ૨ ઓગસ્ટ સુધી 'રેડ એલર્ટ' જારી કરવામાં આવ્યું છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખી સ્થાનિક મામલતદાર દ્વારા તમામ ગ્રામજનોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે. સમગ્ર પંથકની પરિસ્થિતિ પર ચોવીસે કલાક નજર રાખવા માટે ૬૦ ગ્રામ પંચાયતના તલાટીઓને ખાસ કામગીરી સોંપીને પોતાના મથકે હાજર રહેવા સૂચના અપાઈ છે.

પાણી ઓસરતાં તંત્રને રાહત: નુકસાનીના સર્વેના આદેશ

આ દરમિયાન અશ્વિન નદીના પાણીના સ્તરમાં ધીમે-ધીમે ઘટાડો નોંધાતાં અને પાણી ઓસરવાનું શરૂ થતાં સ્થાનિક તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. મામલતદાર દ્વારા પૂરના પાણી સંપૂર્ણ ઓસર્યા બાદ તુરંત જ ખેતી, રસ્તા અને મકાનોને થયેલા નુકસાનીનો ત્વરિત સર્વે હાથ ધરવા માટે સંબંધિત અધિકારીઓને આદેશ જારી કરી દેવામાં આવ્યા છે.