છોટાઉદેપુર: ઓરસંગ અને મેરીયા બ્રિજ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ, જાણો વૈકલ્પિક રૂટ

જાહેરનામામાં જણાવ્યા અનુસાર, ઓરસંગ બ્રિજ પર 12 ટનથી વધુ વજન ધરાવતા વાહનોની અવરજવર સંપૂર્ણપણે પ્રતિબંધિત રહેશે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Fri, 31 Jul 2026 08:42 AM (IST)Updated: Fri, 31 Jul 2026 08:42 AM (IST)
chhotaudepur-orsang-meriya-bridge-heavy-vehicle-ban-diversion-routes-details
orsang bridge

Chhota Udepur Traffic Alert: છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 56 પર આવેલા ઓરસંગ બ્રિજ અને મેરીયા બ્રિજ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઓરસંગ બ્રિજ પર મજબૂતીકરણ અને પુનર્વસનની કામગીરી ચાલુ હોવાને કારણે તેમજ મેરીયા બ્રિજની માળખાકીય સલામતી જાળવવાના હેતુથી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આ અંગે સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

કયા બ્રિજ પર કેટલા વજનના વાહનો પર પ્રતિબંધ?

જિલ્લા મેજિસ્ટ્રેટ ગાર્ગી જૈન દ્વારા પ્રસિદ્ધ જાહેરનામામાં જણાવ્યા અનુસાર, ઓરસંગ બ્રિજ પર 12 ટનથી વધુ વજન ધરાવતા વાહનોની અવરજવર સંપૂર્ણપણે પ્રતિબંધિત રહેશે. જ્યારે મેરીયા બ્રિજ પર 28.5 ટનથી વધુ વજનવાળા તમામ પ્રકારના ભારે વાહનોની અવરજવર પર મનાઈ હુકમ લાગુ કરવામાં આવ્યો છે.

હાલ પૂરતું ઓરસંગ બ્રિજ પર માત્ર ટુ વ્હીલર વાહનો, પેસેન્જર કાર, લાઈટ મોટર વાહનો, મિની તથા મિડી બસો અને હળવા વ્યાપારી વાહનોને જ પસાર થવાની મંજૂરી આપવામાં આવી છે.

કલેક્ટર દ્વારા જાહેર વૈકલ્પિક રૂટ (ડાયવર્ઝન)

  • 28.5 ટનથી વધુ વજનવાળા વાહનો માટે

વડોદરા તરફથી આવતા 28.5 ટનથી વધુ વજન ધરાવતા વાહનો ડભોઈ વેગા ચોકડી, દેવલિયા, નસવાડી, બોડેલી, મોડાસર ચોકડી અને રંગલી ચોકડી થઈને ક્વાંટથી મધ્યપ્રદેશ તરફ જઈ શકશે.

  • 28.5 ટનથી ઓછા વજનવાળા વાહનો માટે

28.5 ટનથી ઓછું વજન ધરાવતા વાહનો રંગલી ચોકડી અને જેતપુરપાવી વનકુટીર ત્રણ રસ્તા થઈને છોટાઉદેપુર તરફ જઈ શકશે.

  • 12 ટનથી ઓછા વજનવાળા વાહનો માટે

12 ટનથી ઓછું વજન ધરાવતી બસ, ટ્રાવેલ્સ સહિતના નાના વાહનો માટે બોડેલી-શિહોદ ચોકડી-વાંકી ડુંગરવાંટ-તેજગઢ માર્ગને વૈકલ્પિક રૂટ તરીકે જાહેર કરવામાં આવ્યો છે.