Chhota Udepur murder: છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના રામપુરા ગામે સામાન્ય બાબતમાં થયેલી મારામારીની ઘટનાએ ગંભીર સ્વરૂપ ધારણ કરતાં એક 43 વર્ષીય યુવકની ઘાતકી હત્યા કરવામાં આવી છે. તીક્ષ્ણ હથિયારના હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા યુવાનનું વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું છે. આ ચકચારી ઘટનાને પગલે પંથકમાં અરેરાટી વ્યાપી હતી. પોલીસે મૃતકના કાકાની ફરિયાદના આધારે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જ હુમલાખોર આરોપીની ધરપકડ કરી લીધી છે.
જૂની અદાવત પર યુવક પર જીવલેણ હુમલો
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, આ લોહિયાળ ઘટના 13 જુલાઈના રોજ સવારે 9 વાગ્યાની આસપાસ રામપુરા ગામના ભાથીજી મંદિર પાસે બની હતી. મૃતક હરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ ઠાકોર (ઉં.વ. 43, રહે. રામપુરા, તા. સંખેડા) ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે ગામના જ સત્યેન્દ્રસિંહ ઉર્ફે જગો દીપસિંહ ગોહિલ નામના શખ્સે જૂની કોઈ અદાવત અથવા તકરાર રાખીને તેમના પર અચાનક હુમલો કર્યો હતો. આરોપીએ પોતાની પાસે રહેલા તીક્ષ્ણ હથિયાર વડે હરેન્દ્રસિંહના માથાના ભાગે ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા. હુમલો એટલો ગંભીર હતો કે, હરેન્દ્રસિંહ લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યા હતા અને હુમલાખોર ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો.
સારવાર દરમિયાન યુવકનું મોત નિપજ્યું
ઘટનાને પગલે આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા અને લોહીલૂહાણ હાલતમાં હરેન્દ્રસિંહને તાત્કાલિક સંખેડાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે, માથાના ભાગે થયેલી ગંભીર ઈજાઓ અને વધારે લોહી વહી ગયું હોવાના કારણે પ્રાથમિક સારવાર આપી, યુવકને વધુ સારવાર માટે વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. સયાજી હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં ફરજ પરના તબીબોએ યુવકને બચાવવાનો ઘણો પ્રયાસ કર્યો હતો. પરંતુ ગંભીર ઈજાઓને લીધે યુવકે બપોરે 2.29 વાગ્યે સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા. તબીબોએ તેને મૃત જાહેર કરતાં પરિવારમાં આક્રંદ છવાઈ ગયો હતો.
પોલીસે ગુનો નોંધી આરોપીને જેલભેગો કર્યો
આ હત્યાના બનાવ અંગે મૃતક હરેન્દ્રસિંહના કાકા ધર્મેન્દ્રસિંહ ઠાકોરે સયાજી હોસ્પિટલ પોલીસ ચોકી ખાતે બનાવ અંગેની પ્રાથમિક ફરિયાદ નોંધાવી હતી, જે ડાયરી સંખેડા પોલીસ મથકે ટ્રાન્સફર કરવામાં આવી હતી. સંખેડા પોલીસે હુમલાખોર સત્યેન્દ્રસિંહ ઉર્ફે જગો દીપસિંહ ગોહિલ વિરુદ્ધ હત્યા, જીવલેણ હુમલો તેમજ જાહેરનામા ભંગની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.
બનાવની ગંભીરતાને જોતા સંખેડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે. યુ. ગોહિલે તાત્કાલિક અલગ-અલગ ટીમો બનાવી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપી સત્યેન્દ્રસિંહ ગોહિલની ધરપકડ કરી લીધી છે અને હત્યામાં વપરાયેલું હથિયાર રિકવર કરવા તેમજ હુમલા પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
