Chhota Udepur: છોટા ઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ઉમરવા ગામ નજીક રાતના સમયે બાઈક પર જઈ રહેલા માતા-પુત્ર પર ખુંખાર દીપડાએ હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવતા સમગ્ર પંથકમાં દહેશત ફેલાઈ ગઈ છે. આ હુમલામાં ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે બોડેલીની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
લગ્ન પ્રસંગ પતાવીને ઘરે પરત ફરતી વખતે રસ્તામાં દીપડો આવી ચડ્યો
પાવી જેતપુરની સ્વામિનારાયણ સોસાયટીમાં રહેતા જીગ્નેશભાઈ રાઠવા (32) પોતાની માતા કિર્તીબેન સાથે લગ્ન પ્રસંગ પતાવીને રાતે 9 વાગ્યાની આસપાસ બાઈક પર ઘરે પરત ફરી રહ્યા હતા. તેમનું બાઈક ઉમરવા ગામના બસ સ્ટેન્ડ નજીકના ખાંડિયા-અમાદર વળાંક પર પહોંચ્યું, ત્યારે જ અંધારામાં લપાઈને બેઠેલો દીપડો રોડ પર આવી બાઈક પર કૂદી પડ્યો હતો.
અચાનક આવી ચડેલા દીપડાએ જીગ્નેશભાઈના ચહેરા પર જોરથી તરાપ મારી હતી, જેના કારણે બાઈકનું સંતુલન ગુમાવી દેતા માતા-પુત્ર રોડ પર પટકાયા હતા. દીપડાનો પંજો દાઢીના ભાગે વાગતા જીગ્નેશભાઈને ઊંડો ઘા પડી ગયો હતો. આ દરમિયાન માતા-પુત્રએ બૂમો પાડતા આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા. જેના કારણે દીપડો અંધારાનો લાભ લઈ નજીકના ઝાડી ઝાંખરામાં ભાગી છૂટ્યો હતો.

જે બાદ ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે પાવી જેતપુર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ જીગ્નેશભાઈની ગંભીર હાલતને જોતા તેમને વધુ સારવાર અર્થે બોડેલીની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે. જ્યારે માતા કીર્તિબેનને સામાન્ય ઈજા પહોંચી છે.
રહેણાંક વિસ્તારો અને મુખ્ય માર્ગો નજીક દીપડા સહિતના વન્ય પ્રાણીઓ દેખાવાની ઘટનાઓ વધતાં પાવીજેતપુર પંથકના ગ્રામજનોમાં ચિંતા ફેલાઈ છે. સ્થાનિકોનું કહેવું છે કે રાત્રિના સમયે આવા માર્ગો પર મુસાફરી કરવી જોખમરૂપ બની રહી છે. ગ્રામજનોએ વન વિભાગ પાસે આ વિસ્તારમાં તાત્કાલિક પાંજરા ગોઠવી દીપડાને પકડી સુરક્ષિત રીતે જંગલ વિસ્તારમાં ખસેડવાની માંગ કરી છે, જેથી ભવિષ્યમાં માનવજીવનને જોખમ ન રહે.
