દાહોદમાં ફિલ્મી સ્ટાઈલમાં ઠગાઈનો ચોંકાવનારો કિસ્સોઃ ગઠિયો બોગસ બેંક ઊભી કરી જ્વેલર્સનું રૂ.30 લાખનું સોનું લઈ પાછલા બારણેથી રફુચક્કર

રથયાત્રાના દિવસે ગઠિયાએ જ્વેલર્સને સોના સાથે પોતાની બોગસ બેંકમાં બોલાવ્યા બાદ બેંકના લોકરમાંથી કેશ લઈને આવું કહીને કેબિનની અંદર ગયા બાદ બહાર ના નીકળતા જ્વેલર્સને ફાળ પડી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 17 Jul 2026 10:39 PM (IST)Updated: Fri, 17 Jul 2026 10:39 PM (IST)
dahod-fake-bank-fraud-jeweller-duped-of-rs-30-lakh-gold-accused-flees-via-secret-door
HIGHLIGHTS
  • બોગસ બેંકમાં ગ્રાહકોને છેતરવા માટે સ્થાનિક યુવતીઓને નોકરી પર રાખી હતી

Dahod Fake Bank Fraud: દાહોદના ગોધરા રોડ પર બોલીવુડ ફિલ્મ ‘સ્પેશિયલ 26’ જેવો જ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં શાતિર ઠગોએ રાતોરાત એક નકલી ફાઇનાન્સ કંપની ઊભી કરી પ્રથમ જ દિવસે એક વેપારીને વિશ્વાસમાં લઈ અંદાજે રૂ. 30 લાખની કિંમતનું 200 ગ્રામ સોનું પડાવી પાછલા દરવાજેથી રફુચક્કર થઈ ગયા હતા. આ સમગ્ર મામલે દાહોદ એ-ડિવિઝન પોલીસે ગુનો નોંધી ગઠિયાઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

બેંક જેવો જ માહોલ, યુવતીઓનો સ્ટાફ અને ભવ્ય સેટઅપ

ગઠિયાઓએ ગોધરા રોડ પર જાણીતી ‘ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંક’ના નામે એક આબેહૂબ બનાવટી ઓફિસ શરૂ કરી હતી. કોઈને પણ સહેજ પણ શંકા ન જાય તે માટે ઓફિસમાં અદ્યતન ફર્નિચર, કમ્પ્યુટર્સ અને બેંકિંગ વ્યવસ્થા જેવો જ આખો માહોલ તૈયાર કરવામાં આવ્યો હતો.

એટલું જ નહીં, ગ્રાહકોને છેતરવા અને ઓફિસ અસલી દેખાય તે માટે સ્થાનિક યુવતીઓને પણ નોકરી પર રાખવામાં આવી હતી, જેઓ આ માસ્ટરમાઇન્ડના પ્લાનથી બિલકુલ અજાણ હતી.

રથયાત્રાના પવિત્ર દિવસે જ ખેલાયો ખેલ

ઠગોએ આ છેતરપિંડી માટે રથયાત્રાના પવિત્ર દિવસની પસંદગી કરી હતી. પ્લાન મુજબ, મુખ્ય સૂત્રધારે એક સ્થાનિક જ્વેલર્સ નો સંપર્ક કર્યો હતો અને મોટું સોનું ખરીદવાના બહાને તેને આ નકલી બેંકની શાખા પર બોલાવ્યો હતો. તહેવારનો દિવસ હોવાથી અને નવો મોટો ઓર્ડર હોવાથી જ્વેલર્સ પણ કોઈ પણ જાતની શંકા વિના 200 ગ્રામ સોનું લઈને બેંક પર પહોંચી ગયો હતો.

લોકરમાંથી નાણાં લેવાના બહાને પાછલા દરવાજેથી પલાયન

જ્વેલર્સ જેવા જ સોનાના દાગીના લઈને ઓફિસમાં પ્રવેશ્યા તે સાથે જ જ ત્યાં હાજર મુખ્ય ગઠિયાએ સોનાનું વજન અને શુદ્ધતા ચકાસવાનો ઢોંગ કર્યો હતો. જે બાદ સોનાની કિંમતના રોકડા નાણાં આપવા માટે તે સોનું હાથમાં લઈ ‘બેંકના અંદરના લોકરમાંથી કેશ લાવું છું’ તેમ કહી કેબિનની અંદર ગયો હતો. જોકે, કેબિનની અંદર લોકર જેવું કંઈ હતું જ નહીં. ગઠિયો સોનું લઈને ઓફિસના પાછળના ગુપ્ત દરવાજેથી બારોબાર ફરાર થઈ ગયો હતો.

naidunia_image

લાંબો સમય સુધી ઓફિસમાં કોઈ હલચલ ન થતાં અને કથિત મેનેજર બહાર ન આવતા જ્વેલર્સે તપાસ કરી હતી. તપાસ કરતા જ તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી, કારણ કે આખી બેંક જ નકલી હતી અને જેની શરૂઆત જ માત્ર લૂંટ ચલાવવા માટે થઈ હતી.

ભોગ બનનાર જ્વેલર્સે તાત્કાલિક દાહોદ એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ અને કોલ ડિટેઇલ્સના આધારે આ હાઈટેક અને શાતિર ઠગ ટોળકીને દબોચી લેવા અલગ-અલગ ટીમો બનાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. દાહોદના વેપારી આલમમાં આ ઘટનાને પગલે ભારે ચકચાર મચી ગઈ છે.